રાજકોટ,તા.18 : પેડક રોડ પાણીના ટાંકા પાસે આવેલ ગેરેજમાંથી રોકડ અને વેલ્ડીંગના કેબલ મળી રૂ.18500 ના મુદામાલની તસ્કરો ચોરી કરી નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી જયેશભાઇ મણીભાઇ કવૈયા (ઉ.વ.55) (ધંધો.ગેરેજ) (રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે , રાધમીરા સત્યમ એપાર્ટમેન્ટ) એ જણાવ્યું હતું કે, તેને પેડક રોડ પાણીના ટાંકાની સામે અમુલ બોડી બીલ્ડર્સ નામે ટ્રક બોડી કામનુ ગેરેજ છે. જ્યાં બોડીકામને લગત સામાન પડેલ તેમની ઓફીસની બાજુમા આવેલ સ્ટોર રૂમમા રાખે છે.
ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યે તે તેનો પુત્ર ગેરેજ અને સ્ટોરરૂમ બંધ કરી ઘરે જતા રહેલ હતાં. આજે સવારે આઠ વાગ્યે તેના ગરેજેથી પેઈન્ટરનો ફોન આવેલ કે, તમારી ઓફિસનું તાળું તૂટેલ છે તેવી વાત કરતાં તે તથા તેનો પુત્ર ગેરેજે દોડી ગયેલ હતાં અને ત્યાં જઈ તપાસ કરતાં ઓફીસનું તાળુ તુટેલ હતુ અને ઓફીસનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. તેમજ ટેબલના ખાનામા પડેલ રોકડ રૂ .1500 જોવામા આવેલ નહી અને સ્ટોર રૂમ જોતા સ્ટોર રૂમનુ તાળુ તુટેલ ન હતુ
પરંતુ સ્ટોર રૂમના દરવાજાનો પતરૂ નીચેથી વાળેલ અંદર જવાનો રસ્તો કરેલ હતો. જેથી સ્ટોર રૂમ ખોલી અંદર જોતા સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. સ્ટોર રૂમમાં રાખેલ બે વેલ્ડીંગ કેબલ આશરે 55 ફુટની લંબાઇ રૂ. 17 હજારનો મુદ્દામાલ જોવા મળેલ ન હતો.જેથી ગેરેજમાંથી રોકડ અને કેબલ મળી રૂ.18500 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી.