રાજકોટ, તા. 18 : મહાનગરમાં કોરોનાની રફતાર તેજ થતી હોય તેવું લાગી રહ્યું છે અને ગઇકાલે વધુ 1ર કેસ નોંધાતા સીઝનલ રોગચાળા સાથે હવે ખતરનાક સાબિત થયેલા અને હવે હળવા બનેલા કોરોનાથી પણ લોકો ડરવા લાગ્યા છે.
ગઇકાલે મહાનગરના વોર્ડ નં.1, 2, 8, 9, 10, 18માંથી કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા હતા જે તમામે વેકસીનના બે-બે ડોઝ લઇ લીધા છે. ર4 વર્ષની યુવતીથી માંડી 72 વર્ષના વૃધ્ધ સુધીના દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે અને તેઓની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. નવાઇની વાત એ છે કે આ નવા ડઝન દર્દી પૈકી કોઇની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ઉપરાંત એક પણ નવા દર્દી અન્ય કોઇ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યાનું પણ જાણવા મળ્યું નથી. આથી હવે દર્દીઓને ચેપ કયાંથી લાગે છે તે કોઇ જાણી શકતું નથી.
તા.17ના રોજ જયાંથી કેસ બહાર આવ્યા તેમાં વોર્ડ નં.1માં મોચીનગરમાં 53 વર્ષના પુરૂષ, વોર્ડ નં.2માં એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટી, વોર્ડ નં.8માં વિરાણી સ્કુલ પાછળના એપાર્ટમેન્ટ, રૈયા રોડના વૈશાલીનગર, કોટેચા ચોક પાસે, વોર્ડ નં.9માં તિરૂપતિ, લક્ષ્મીનગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસા., વોર્ડ નં.10માં 150 ફુટ રોડ પર સોમનાથ સોાસા. પાસે, શ્રધ્ધાદીપ સોસા.માં દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત વોર્ડ નં.18માં કોઠારીયા સોલવન્ટ પાસે પણ એક દર્દીની નોંધ થઇ છે.