રાજકોટ,તા.18 : શિક્ષણક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શિક્ષણકાર્યને ઉજાળનારા શિક્ષકોની નિષ્ઠાને બિરદાવવા અને અન્ય શિક્ષકોને પ્રેરણા આપવા માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા દર વર્ષે પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજ્યમાં કાર્યરત શિક્ષકોમાંથી પસંદગી સમિતિ દ્વારા ઉત્તમ ગુણવત્તાયુક્ત કાર્ય કરનાર શિક્ષકની પસંદગી કરી નસિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ 72 શિક્ષકો આ એવોર્ડથી સન્માનિત થયા છે.
વર્ષ : 2021-2022ના નસિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથ માટે સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકોના કાર્યના અહેવાલ, મૂલ્યનિષ્ઠ કેળવણીકારોનું અનુમોદન અને સ્થળ તપાસના તારણોના આધારે સ્થાનિક પસંદગી સમિતિ દ્વારા પૂર્વ- પ્રાથમિક વિભાગમાં શ્રીમતી પાર્વતીબહેન દેસાઈ વિદ્યાકુંજ, સુરતનાં શિક્ષિકા શ્રીમતી અલ્પાબહેન દેસાઈ, પ્રાથમિક વિભાગમાં વિનોબા આશ્રમશાળા-વડથલી, તા. મેઘરજ, જિ. અરવલ્લીના આચાર્ય કનુભાઈ પંચાલ અને માધ્યમિક વિભાગમાં ભાડઈ માધ્યમિક શાળા, મોટી ભાડઈ,
તા. માંડવી, જિ. કચ્છના આચાર્ય કીર્તિકુમાર ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. આ શિક્ષકોને રોકડ રૂ. 20,000/-નો પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ.1,000/-નો પુસ્તક સંપૂટ અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ વિતરણ સમારંભ તા. 23 માર્ચ, 2023 ગુરુવારે સવારે 10 કલાકે ઈન્સ્ટિટયુટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન, 9, જલારામ પ્લોટ-2, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટમાં યોજેલ છે, જેમાં અધ્યક્ષસ્થાને જાણીતા શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ તેમજ અતિથિવિશેષ તરીકે લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઈનોવેશન, સણોસરાના કુલપતિ ડો. ભદ્રાયુભાઈ વછરાજાની સહિત અન્યો પધારશે.
અલ્પાબેન દેસાઇ
પૂર્વ-પ્રાથમિક શિક્ષણક્ષેત્રના એવોર્ડ માટે સુરતના શ્રીમતી અલ્પાબહેન દેસાઇની પસંદગી કરવામાં આવી છે. બાળકેળવણી ક્ષેત્રે તેઓનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેઓએ પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટેની પદ્ધતિમાં ઉત્સવ-ઉજવણી, પ્રોજેક્ટ પદ્ધતિ, યોગશિક્ષણ વગેરે બાલશિક્ષણમાં ઉપયોગી વિષયો પર પ્રયોગશીલ કાર્ય કર્યું છે.
કનુભાઇ પંચાલ
પ્રાથમિક શિક્ષણક્ષેત્રના એવોર્ડ માટે વિનોબા આશ્રમશાળા-વડથલી, તા. મેઘરજ, જિ. અરવલ્લીના આચાર્ય કનુભાઈ પંચાલની પસંદગી કરવામાં આવી છે. 22 વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ શૈક્ષણિક રીતે પછાત આદિવાસી વિસ્તારના બાળકોના ઉત્કર્ષ માટે શિક્ષક, આચાર્ય અને ગૃહપતિ તરીકે નોંધપાત્ર સેવાઓ આપી છે.
કીર્તિકુમાર ઠકકર
માધ્યમિક શિક્ષણક્ષેત્રના એવોર્ડ માટે ભાડઈ માધ્યમિક શાળા, મોટીભાડઈ, તા. માંડવી, જિ. કચ્છના આચાર્ય કીર્તિકુમાર ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. 26 વર્ષ પહેલાં ભાડઈ ગામની ધર્મશાળામાં 51 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે પોતાની સેવાની શરૂઆત કરી. 26 વર્ષની અવિરત તપશ્ચર્યાને અંતે આજે તેઓએ વિશાળ મેદાનો, આધુનિક વર્ગખંડો અને અદ્યતન બાંધકામ સાથેની માધ્યમિક શાળાનું નિર્માણ કરેલ છે.