(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની 30 એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઈ જતાં તેને અંદાજે 25 કરોડની જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે
આ દુનિયામાં હયાત વ્યક્તિના મરણના દાખલા કાઢવામાં આવે અને તેની જાણ મૂળ વ્યક્તિને થાય તો તેના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે આવું જ કઈક મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (92) સાથે થયું છે જેથી તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે.
બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીત રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ વાળાનું નામ દર્શાવામાં આવ્યું છે આ આરોપીએ તા 17/09/2022 ના રોજ રૂપીયા 3,13,38,000 નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-2 માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે. ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે છતાં પણ
તે બન્નેના મરણના પ્રમાણપત્ર ખેતી રીતે મેળવીને તેનો ઉપયોગ કરીને અમદાવાદના તલાટી બી.બી. રાઠોડ પાસેથી ખોટો પેઢી આંબો મેળવીને ખોટી વિગતોના આધારે નોટરી તરંગ આર. દવે રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે જેમાં પણ ખોટી માહિતી આપવામાં આવી છે આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, હાલમાં વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સુચીત રમેશભાઇ જોષીની ધરપકડ કરી છે અને તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.