► કેકેવી ચોકમાં શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં આવેલ સ્પા હાઉસમાં હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડેલો
રાજકોટ, તા.20 : રાજકોટમાં વધુ એક વાર સ્પાની આડમાંથી કુટણખાનું ઝડપાયું છે. માળિયા મિયાણાની મહિલા આ સ્પા ચલાવતી હતી. કેકેવી ચોકમાં શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં આવેલ સ્પા હાઉસમાં હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થાનિક પોલીસને ઉઘતી રાખી દરોડો પાડ્યો હતો. ધોરાજીની રૂપ લલના સહિત 5 યુવતી મળી આવી હતી જેને પોલીસે મુક્ત કરાવી સાક્ષી નિયમ મુજબ સાક્ષી બનાવી છે.
આ સ્પા હાઉસમાંથી દિલ્હી, આસામ, સિકકીમની એમ કુલ ચાર પરપ્રાંતિય રૂપલલનાઓ મળી આવી હતી. ઉપરાંત પાંચમી યુવતી ધોરાજીની હતી. તેણી પાસે પણ વૈશ્યવૃત્તિ કરાવવામાં આવતી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસીયાએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાના ગેરકાયદે ધંધા પર કાર્યવાહી કરવા સૂચના આપી હોય, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એન.આઇ.રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઆઇ બાદલભાઇ દવે,
હરપાલસિંહ ઝાલા, બકુલભાઇ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ, ધીરેનભાઇ ગઢવી, કોન્સ્ટેબલ મહંમદભાઇ અંસારી, હસમુખભાઇ વાછાણી, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન વઘેરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધીરેનભાઇ ગઢવીને બાતમી મળી હતી કે કે.કે.વી. ચોકમાં શાંતિ નિકેતન કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે ‘સ્પા હાઉસ’ નામના સ્પામાં ત્યાંની મહિલા સંચાલીકા બહારથી યુવતીઓને બોલાવી, તેને સ્પામાં રાખી મસાજના નામે ગ્રાહકો બોલાવી મસાજના રૂા.1200 અને યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવાના બીજા રૂા.રપ00 લઇ સ્પાની આડમાં વેશ્યાવૃતિની ગેરકાયદે પ્રવૃતિ ચલાવે છે.
બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સ્પામાં મોકલી છટકુ ગોઠવેલું જેમાં કુટણખાનુ ઝડપાયું હતું. સ્પામાં કુલ પાંચ યુવતિઓ મળી આવી હતી. આ યુવતીઓએ કબુલાત આપી હતી કે, સ્પા સંચાલિકા જાગૃતિબેન દીપકભાઇ જોષી (ઉ.વ.23, રહે. એસઆરપી કેમ્પ સામે, રાજકોટ, મુળ નવા રેલવે સ્ટેશન પાસે, માળીયા મીયાણા) સૌપ્રથમ કાઉન્ટર ઉપર રૂા.1200 મસાજના ગ્રાહકો પાસેથી લેતી હતી. જે પછી ગ્રાહક યુવતી પાસે મસાજ કરાવવા જાય ત્યારે શરીર સંબંધ બાંધવાના ગ્રાહક દીઠ રૂા.2500 લેવાતા હતા. આ 2500માંથી રૂા.1000 જાગૃતિબેન રાખી લેતી હતી.
પોલીસે મહિલા આરોપીના ટેબલના કાઉન્ટરમાંથી મળી આવેલ રૂા. 17000ની રોકડ કબ્જે કરી હતી. ઉપરાંત 3 મોબાઇલ ફોન અને સીસીટીવીનું ડીવીઆર પણ કબ્જે કરાયું હતું. સ્પાના અન્ય રૂમમાંથી અન્ય ત્રણ ગ્રાહકો પણ મળી આવેલા જોકે તેઓ ફકત મસાજ કરાવાવ જ આવ્યા હોય કોઇ ગેરકાયદે વસ્તુ મળી ન આવી હોય તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નહોતી. હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે ઇમોલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એકટની કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
રૂપલલનાઓની ઉંમર 24 થી 33 વર્ષ
સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાંથી મળી આવેલ ધોરાજી, આસામ, દિલ્હી અને સિકકીમની પાંચ યુવતીઓ પોલીસે પુછપરછ કરેલી આ યુવતીઓમાંથી અમુક ત્યાં સ્પા જ રહેતી હતી અને અન્ય રાજયોના જુદા જુદા વિસ્તારોમાં રહેતી હતી. આ યુવતીઓની ઉંમર ર4 થી 33 વર્ષ જાણવા મળી હતી.
રૂપલલનાઓ ધોરાજી, દિલ્હી, આસામ, સિકકીમની રહેવાસી
દરોડા દરમિયાન સ્પામાંથી પાંચ રૂપ લલના મળી આવી જેમાં પરપ્રાંતિય યુવતી સાથે ધોરાજીની યુવતી પણ મળી આવી છે. પોલીસે આ યુવતીઓની પૂછપરછ કરી હતી. જેમાં તે ધોરાજી, દિલ્હી, આસામ, સિક્કિમની રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. યુવતીઓને મુક્ત કરાવી નિયમ મુજબ સાક્ષી બનાવાશે.
અમે તો ફક્ત મસાજ કરાવવા આવેલા : સ્પા રૂમમાંથી મળી આવેલા યુવાનોનો બચાવ
દરોડા દરમિયાન સ્પાના રૂમ નં.1માંથી કેવીન મુકેશ ભાલાણી (ઉ.વ 25, રહે. દોસી પ્લાઝા, કોટેચા ચોક, યુનિ.રોડ) રૂમ નં. 2 અભિષેકભાઈ સંજયભાઈ પોપટ (ઉ.વ. 24, રહે. મોટામૌવા, માસુમ સ્કુલની બાજુમાં કાલાવાડ રોડ, રાજકોટ) રૂમ નં.3માં કેવલ મુકેશ કનોજીયા (ઉ.વ. 29, રહે.સોમનાથ સોસાયટી, શેરીનં-3, ટેલીફોન એકસચેંજ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ) મળી આવેલ જેની પૂછપરછ કરતા તેઓ ફક્ત મસાજ કરાવવા જ આવ્યા હોવાનું કહ્યું હતું. ઉપરાંત અન્ય બે વ્યક્તિ સંતોષ ભીમસિંગ સોની (ઉ.વ. 26, રહે. યુનિ. રોડ, ભગતસિંહ ગાર્ડનની પાછળ, આર.એમ.સી કવાર્ટર અને સંજય ધનજી વાઘેલા (ઉ.વ. 25, રહે. પરસાણા નગર, શેરીનં-5, જંકશન, રાજકોટ) પણ હાજર મળતા તેઓએ જણાવેલ કે તે બન્ને અહીં સાફ સફાઈનું કામ કરે છે.