દારૂબંધી કાગળ પર!:રૂડાના સીઈઓની કારનો ડ્રાઇવર મોટો અકસ્માત સર્જે તે પૂર્વે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

20 March 2023 11:54 AM
Rajkot Crime
  • દારૂબંધી કાગળ પર!:રૂડાના સીઈઓની કારનો ડ્રાઇવર મોટો અકસ્માત સર્જે તે પૂર્વે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

શીતલ પાર્ક પાસે ડ્રાઇવરે ભાન ગુમાવતા જ માથું સ્ટિયરિંગ પર પટકાયું,પાંચ મિનિટ સુધી હોર્ન વગડ્યું!!

રાજકોટ,તા,21 : રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શું શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી.જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો હતો.રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી એટલે કે રૂડાના સીઈઓ રાજેશ ઠુમ્મરની સરકારી કારનો ચાલક કલ્પેશ રત્નાભાઈ મોરી (ઉ.વ.37, રહે, બજરંગવાડી શેરી નં-8) રવિવારે નશાખોર હાલતમાં અને દારૂ સાથે ઝડપાતા તેના વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.તે દારૂની બોટલ ક્યાંથી લાવ્યો?

એ અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,કલ્પેશ રૂડાના સીઈઓની ઈનોવા કારમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.રવિવારે સવારે રજા હોવાથી કાર રૂડાની ઓફિસમાં પડી હતી.ડ્રાઈવર હોવાથી કલ્પેશ પાસે કારની ચાવી હતી.તે ઓફિસે ગયો હતો.દારૂ ઢીંચી કાર લઈ ફરવા નિકળી ગયો હતો. કાર ઉપર બંને સાઈડ ગર્વમેન્ટ ઓફ ગુજરાત અને એડીશ્નલ કલેકટર,સીઈઓ,રૂડા અને રાજકોટ લખેલું હતું.સામાન્ય રીતે સરકારી અધિકારીઓની કારને પોલીસ રોકતી નથી તે મુજબ આ કારને પણ પોલીસ રોકવાની નહોતી.

પરંતુ કલ્પેશે ખુબ જ દારૂ પીધો હોવાથી હોવાથી 150 ફુટ રીંગ રોડ પરના શિતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પાછળની શેરીમાં પહોંચતા તે સ્ટીયરીંગ ઉપર ઢળી પડયો હતો.જેને કારણે પાંચેક મીનીટ સુધી કારનું હોર્ન વાંગતા આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા.તેમજ કલ્પેશને જગાડી હોર્નબંધ કરાવ્યું હતું.એટલુ જ નહી કોઈએ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ પહોંચી હતી ત્યાં સ્ટાફે જઇને જોતા કલ્પેશ દારૂ ઢીચેલી હાલતમાં મળ્યો હતો.એટલુ જ નહી કારમાંથી 70 એમએલ દારૂ ભરેલી એક બોટલ પણ મળી આવતા તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.શરૂઆતમાં તો તે નશાની હાલતમાં હોવાથી પોલીસ તેની પુછપરછ કરી શકી ન હતી.કલ્પેશે કોની કોની સાથે દારૂ પીધો હતો?તેમજ આ દારૂની બોટલ કોણે આપી હતી એ મામલે હાલ તેની વધુમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement