(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : રાજકોટનો યુવાન અમદાવાદથી બે પેસેન્જરને ગાડીમાં બેસાડીને પરત મોરબી થઈને રાજકોટ બાજુ જતો હતો ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સેર એ પંજાબ હોટલ પાસે જમવા માટે રોકાયા હતા ત્યારે ગાડીમાં બેઠેલા બંને પેસેન્જર યુવાનની હુંડાઈ ઓરા ગાડી ચોરી કરીને નાસી ગયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આજીડેમ ચોકડી પાસે આવેલ ભીમરાવનગરમાં રહેતા મૂળ ચોટીલા તાલુકાના પીપળીયા ગામના રહેવાસી ગોવિંદભાઈ મુન્નાભાઈ પંચાલ (39)એ હાલમાં અજાણ્યા બે મુસાફરની સામે ચાર લાખની કિંમતની ઓરા ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ રાજકોટથી પેસેન્જર લઈને અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી ધ્રાંગધ્રા થઈને રાજકોટ બાજુ જવા માટે બે પેસેન્જરને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને તેઓ બપોરના 12 વાગ્યાના અરસામાં ધાંગધ્રાથી નીકળીને રાજકોટ જવા માટે રવાના થયા હતા.
દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલમાં જમવા માટે રોકાયા હતા અને ત્યારે તે ગાડીમાં બેઠેલા બે પેસેન્જર પૈકીના એક પેસેંજરે તેને જમવું નથી તેવું કહ્યું હતું જેથી તે ગાડીમાં હોવાથી એસી ચાલુ રાખ્યું હતું અને તે પેસેન્જર ગાડી નં જીજે 3 એમઈ 3337 માં જ બેઠો હતો જ્યારે બીજો ફરિયાદી યુવાનની સાથે જમવા માટે ગયો હતો
જોકે ફરિયાદી જમીને હાથ ધોવા માટે ગયો એટલી વારમાં તેની સાથે જમવા માટે બેઠેલ મુસાફર ત્યાંથી ગુમ થઈ ગયો હતો અને બાદ પાર્કિંગમાં ચેક કરતાં યુવાનની ગાડી ન હતી જેથી કરીને ચાર લાખની કિંમતની હુંડાઈ કંપનીની ઓરા ગાડીની ચોરી થઈ હોવા અંગેની યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને ગાડી લઈને નાસી છૂટેલા બે મુસાફરને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.