(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : હળવે હળવે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ગરમીની ઋતુ દરમિયાન તાપમાનનો પારો મહત્તમ મર્યાદાથી વધી જાય ત્યારે હીટ વેવની સંભાવના રહે છે. જેથી સંભવિત હીટ વેવથી રક્ષણ મેળવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સૂચનો જાહેર કરાયા છે. જેને અનુસરવાથી હીટ વેવથી બચી શકાય છે.
નાગરિકો માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો, તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વાઈ, હૃદય, કિડની, લીવરના રોગ ધરાવતા વ્યક્તિ, કે જે પ્રવાહી પ્રતિબંધિત આહાર લેતા હોય તેમને તબીબનો સંપર્ક કરી પ્રવાહી આહારનું સેવન વધારવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ વધારવા ઘરગથ્થુ પીણાં જેવા કે લસ્સી, ઓસામણ, લીંબુ પાણી, છાશ, નાળીયેરનું પાણી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
વજનમાં હળવા, આછા રંગના, ખૂલતાં, કોટનના કપડાં પહેરવા જોઈએ. તડકામાં બહાર જતી વખતે કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું, આંખોના રક્ષણ માટે સનગ્લાસ તથા ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક સારવાર અંગે જાણકારી રાખવી જરૂરી છે. વડીલો, બાળકો, બીમાર, મેદસ્વી લોકોને હીટ વેવનો ખતરો વધુ હોવાથી તેઓની ખાસ કાળજી રાખવી જોઈએ.
એ.સી.નું તાપમાન 24 ડિગ્રીથી વધુ રાખવું જોઈએ. અને લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા પર પાણી છાંટી બંધ રાખવા જોઈએ.