♦ તાવ અને ઉધરસ પાંચ’દીથી વધુ રહે તો ડોકટરનો સંપર્ક કરવો: શારીરિક અંતર રાખવા, માસ્ક પહેરવા સલાહ અપાઈ
નવીદિલ્હી, તા.21
છેલ્લા કેટલાક સમયથી કોરોનાના મામલે શાંતિ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ માથુ ઉંચકતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હરકતમાં આવ્યું છે. દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે જયાં સુધી કોરોના સંક્રમણની પુષ્ટિ ન થાય ત્યાં સુધી એન્ટિ બાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવા કહેવામાં આવ્યું છે તેમજ જો તાવ અને ઉધરસ 5 દિવસથી વધુ રહે તો ડોકટરની સલાહ લેવાનું સૂચન કર્યું છે.
નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, આપણે એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કોરોનાની સાથે અન્ય કોઈ વાયરલ ચેપ ન લાગ્યો હોય. હળવી બીમારીમાં સ્ટેરોઈડનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત શારીરિક અંતર રાખવા, માસ્કનો ઉપયોગ કરવા શરીરને તાપમાન, ઓકિસજન લેવલ વગેરે બીમારીના લક્ષણ પર નજીર રાખવા કહેવામાં આવ્યું છે.
માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ઉધરસ પાંચ દી’થી વધુ સમય રહે તો તુરંત ડોકટરની સલાહ લો અથવા વધુ તાવના કિસ્સામાં રેમડેસિવર (પહેલા દિવસે 200 મીલી ગ્રામ અને પછીના 4 દિવસ માટે 100 મિલીગ્રામ) પાંચ દી માટે લઈ શકાય.