અમદાવાદ, તા.21 : અમદાવાદથી રવિવારે પણ વંદે ભારત અને શતાબ્દી ટ્રેન શરૂ કરવા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને રજુઆત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે રવિવારે શતાબ્દી અને વંદે ભારત ટ્રેન બંધ હોવાના કારણે મુસાફરોને ઘણી અગવડતા પડે છે. આ બંનેમાંથી કોઇ એક ટ્રેન રવિવારે ચાલુ રહે
તો મુંબઇથી સુરત અને સુરતથી અમદાવાદ મુસાફરી કરતા નાગરિકોને સુગમતા રહે તેમ છે. આ સાથે દર સોમવારે અમદાવાદથી મુંબઇ વંદે ભારત ટ્રેન શરૂ કરવા અને સુરતથી જલગાંવ વંદે ભારત ટ્રેન શરૂ કરવા પણ રજુઆત કરી છે. મંત્રીએ આગામી મે મહિનાથી આ ટ્રેન શરૂ કરવા અંગે ખાતરી આપી છે. આ ટ્રેન શરૂ થતાં મુસાફરોની યાત્રા વધુ સરળ બનશે અને સમયની બચત પણ થશે.