રાજકોટ તા.21
શેરબજાર તથા બુલીયન બજારમાં ઉથલપાથલનો તબકકો હોય તેમ સેન્સેકસમાં આજે 480 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જયારે સોનામાં 1000 રૂપિયાનો કડાકો હતો. શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહન બન્યુ હતું.સોમવારના ગાબડા બાદ આજે નીચા મથાળે હેવીવેઈટ શેરોમાં લેવાલી હતી. રીલાયન્સે આગેવાની લીધી હતી. ક્રુડના વિન્ડફોલ ટેકસમાં કાપથી કંપનીને લાભ થવાનો હોવાથી લેવાલી હતી.
અમેરીકામાં બેંકીંગ સંકટ વચ્ચે વ્યાજદર વધારો ટાળવામાં આવશે. તેવા આશાવાદની પ્રોત્સાહક અસર હતી. માર્ચ એન્ડીંગ પૂર્વે નફા નુકશાની બાંધવા ઓળીયા સરખા થવાનો આશાવાદ હતો.જાણીતાં શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આવતા દિવસમાં વૈશ્વિક ઘટનાક્રમો જ પ્રભાવ પાડવા રહે તેવી શકયતા છે ઉપરાંત માર્ચ એન્ડીંગની પણ અસર રહે છે.
શેરબજારમાં આજે રીલાયન્સ બજાજ ફાઈનાન્સ બજાજ ઓટો, સ્ટેટ બેંક, ટાટા માર્કેટસ, ટાઈટન, એકસીસ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સનમાં ઉછાળો હતો.. ટીસીએસ એશીયન પેઈન્ટસ, હિન્દ લીવર, ઈન્ફોસીસ, પાવરગ્રીડ, બ્રિટાનીયા તૂટયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 477 પોઈન્ટનાં ઉછાળાથી 58106 હતો તે ઉંચામાં 58116 તથા નીચામાં 57730 હતો નીફટી 130 પોઈન્ટ વધીને 17117 હતો. બીજી તરફ સોના-ચાંદીમાં સળંગ ધરખમ તેજી બાદ આજે પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો.
અમેરીકી બેંક કટોકટી કાબુમાં આવી જવાના સંકેતોથી રાહત હતી. સોનુ હાજરમાં રૂા.1050 ના કડાકાથી 61150 હતુ.એમસીએકસ 59230 હતુ.હાજર ચાંદી 500 રૂપિયાનાં ઘટાડાથી 70600 હતી.