રાજકોટ,તા.21 : ધોરાજીના કલાણા ગામ પાસે અજાણ્યા વાહને ઠોકરે ચડાવતાં ગંભીર રીતે ઘવાયેલા કારીબેન નામના વૃદ્ધાનું ટુંકી સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધાતા પાટણવાવ પોલીસે તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ફરીયાદી દેવાભાઈ પરબતભાઈ મકવાણા (રહે. રામાપીરની ધાર કલાણા)એ જણાવ્યું હતું કે તે માલઢોરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.17ના તેના પત્ની કારીબેન (ઉ.વ.70) ગામની રામાપીર ધારેથી ગામની અંદર રહેતાં તેના પુત્ર ઘનાની ઘરે દૂધ આપવા માટે ગયા હતાં.
જયાંથી તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યારે રસ્તામાં પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહને હડફેટે લેતાં ફુટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. જેને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવારમાં જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી પાટણવાવ પોલીસ મથકના પીએસઆઈ કોઠીયાએ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં મૃતકને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.