જામનગર:
લાલપુર તાલુકાના પીપળી ઉપરાંત પડાણા, ચંગા, બબરઝર, આરબલૂસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ત્રાટકયો, માર્ગો અને ખેતરોમાં જાણે નદીઓ વહી હોય તેવી સ્થિતિ સર્જાઈ
કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણેક દિવસથી જામનગર જિલ્લામા અમુક વિસ્તારોમા છુટ્ટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે આજે પણ ખાસ લાલપુર તાલુકામાં માવઠાની ઉપાધિ યથાવત રહેવા પામી હતી. માવઠાની આગાહી વચ્ચે લાલપુર પંથકમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ ગોરંભયેલા વાદળો અને સુસવાટા મારતા પવન વચ્ચે એકાએક વરસાદ તૂટી પડતા માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
જામનગર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉનાળાના પ્રારંભ વચ્ચે જાણે અષાઢી માહોલ હોય તેવી દ્રશ્યો સર્જાઇ રહ્યા છે ત્યારે આજે બપોર બાદ લાલપુર તાલુકાના પીપળી ઉપરાંત પડાણા, ચંગા, બબરઝર, આરબલૂસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ત્રાટકયો હતો. જેથી ચારે બાજુ પાણી... પાણી... જોવા મળ્યા હતા. જેને લઈને માર્ગો અને ખેતરોમાં જાણે પાણીની નદીઓ વહી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
બીજી બાજુ ધોધમાર કમોસમી કહેર વરસતા ખેતરો પાણીમાં તરબોળ થયા હતા. આથી અમુક ખેતરોમાં ઘઉં, જીરુ સહિતના પાકો હતા. જેમાં મોટાપાયે નુકસાનીની ભીતિ જોવા મળતી હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો શાકભાજીના વાવેતરમાં ફૂગનો પ્રકોપ વધે તેવી સ્થિતિ જન્મી છે.