રાજકોટ, તા. ૨૧
આજે મોડી સાંજે વાવડી ગ્રામ પંચાયતની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજો ગુમ થવાના પ્રકરણમાં રેવન્યુ તલાટી મનીષ ગિધવાણીને રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે રાજકોટ તાલુકા મામલતદાર કરમતાને આ બાબતે નોટિસ ફટકારી છે.
તાજેતરમાં રાજકોટના વાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મહત્વના દસ્તાવેજો ગુમ થવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસ ફરિયાદ બાદ પોલીસ અને વહીવટી તંત્ર અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યું હતું દરમિયાન આજ રોજ વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સંદીપ વર્મા દ્વારા તેમના બે કર્મચારીઓની પુછપરછ અને નિવેદનો નોંધી જિલ્લા કલેકટરને રિપોર્ટ સુપ્રત કરાયો હતો, ત્યારબાદ આજે કલેકટરને કડક પગલાં લીધા છે.
બે કર્મચારી નિવેદન લીધા
રાજકોટ પ્રાંત અધિકારી સંદીપ વર્માએ જણાવ્યું હતું કે, વાવડી ગ્રામપંચાયતના રેકર્ડ ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ રૂબરૂ સ્થળ તપાસ કરી કોન્ટ્રોક્ટરો તેમજ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. અમારા વિભાગના બે કર્મચારીના પણ નિવેદન લેવામાં આવ્યા છે અને અમારા તરફથી તપાસ પૂર્ણ થતા આજ રોજ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો :
રાજકોટના વાવડી ખાતેની ગ્રામ પંચાયતની કચેરી એટલે કે હાલની વોર્ડ ઓફીસના બિલ્ડીંગમાં રેવન્યુ રેકોર્ડ તેમજ હકકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. કબાટમાં રાખવામાં આવેલ દસ્તાવેજો અંગે જુની પંચાયત કચેરીમાં વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી ગત તા.7 માર્ચના તપાસ કરવા જતા દસ્તાવેજો નહીં મળતા મનપાનાં સ્ટાફને પૂછપરછ કરી હતી. જેમાં પણ કોઈને કંઈ ખબર ન હતી.
દસ્તાવેજો વોકળામાંથી મળ્યા :
આ મામલે તાલુકા મામલતદાર કરમટા દ્વારા આ અંગે તાલુકા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે પીએસઆઈ ચાવડા સહિતનાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક દસ્તાવેજો વોકળામાં તેમજ ભંગારના ડેલામાંથી મળી આવ્યા હતા. જેમાં ભંગારના ડેલામાંથી મળેલા દસ્તાવેજ 2022ની સાલના હોવાનું સામે આવ્યું હતું. જયારે વોકળામાંથી મળેલા દસ્તાવેજો વાવડી ગ્રામ પંચાયતના હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગુમ થયેલા મહત્વના દસ્તાવેજો હજુ સુધી હાથ લાગ્યા નથી.
1995થી 2004 સુધીમાં રેવન્યુ રેકર્ડ ગુમ થયા છે જેમાં મનપા અને વહીવટી તંત્રના તલાટી પણ જવાબદાર કહી શકાય, તેવું પ્રાંત અધિકારી સંદીપ વર્માએ આજે બપોરે મીડિયાને જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે તમામ રેવન્યુ સહિતના દસ્તવેજો લોક એન્ડ કી માં રાખવા જોઈએ તેમજ સમયાંતરે તેમની તપાસ પણ કરવી જોઈએ. અત્યારસુધીની તપાસ પૂર્ણ થતા રિપોર્ટ ચકાસી કલેકટરની સૂચના મુજબ આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.