પાંચ ઑક્ટોબરથી વર્લ્ડકપ: અમદાવાદમાં ફાઈનલ: 48 મેચ માટે રાજકોટ સહિત 12 શહેરો શૉર્ટલિસ્ટ

22 March 2023 09:53 AM
Ahmedabad Gujarat India Rajkot Sports
  • પાંચ ઑક્ટોબરથી વર્લ્ડકપ: અમદાવાદમાં ફાઈનલ:  48 મેચ માટે રાજકોટ સહિત 12 શહેરો શૉર્ટલિસ્ટ
  • પાંચ ઑક્ટોબરથી વર્લ્ડકપ: અમદાવાદમાં ફાઈનલ:  48 મેચ માટે રાજકોટ સહિત 12 શહેરો શૉર્ટલિસ્ટ
  • પાંચ ઑક્ટોબરથી વર્લ્ડકપ: અમદાવાદમાં ફાઈનલ:  48 મેચ માટે રાજકોટ સહિત 12 શહેરો શૉર્ટલિસ્ટ

◙ 46 દિવસ સુધી 10 ટીમો વચ્ચે થશે કાંટે કી ટક્કર: રાજકોટ ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનૌ, ઈન્દોર અને મુંબઈની પણ પસંદગી: ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

◙ બેથી ત્રણ શહેરોમાં વર્લ્ડકપની વૉર્મઅપ મેચ રમાશે: ભારતના અનેક શહેરોમાં ઑક્ટોબર દરમિયાન ચોમાસું હોવાને કારણે ક્રિકેટ બોર્ડ સ્ટેડિયમની પસંદગી માટે તમામ પાસા વિચાર્યા બાદ જ લેશે નિર્ણય

રાજકોટ, તા.22
આ વર્ષે ભારતમાં રમાનારા 50 ઓવર વર્લ્ડકપની શરૂઆત પાંચ ઑક્ટોબરથી થવા જઈ રહી છે. વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. દસ ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાજકોટ સહિત 12 શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે વર્લ્ડકપમાં નોકઆઉટ સહિત કુલ 48 મેચ રમાશે જે 46 દિવસ સુધી ચાલશે. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી અત્યાર સુધીમાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જે શહેરોમાં વર્લ્ડકપના મુકાબલા રમાવાના છે તેમાં બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનૌ, ઈન્દોર, રાજકોટ, અમદાવાદ અને મુંબઈનો સમાવેશ થાય છે. ફાઈનલ નોકઆઉટ મુકાબલા ઉપરાંત બીસીસીઆઈએ અત્યાર સુધી કોઈ પણ મેચ માટે સ્ટેડિયમની પસંદગી કરી નથી. આવી જ રીતે વર્લ્ડકપ પહેલાં રમાનારા વોર્મઅપ મેચ બેથી ત્રણ શહેરોમાં રમાડવામાં આવશે. ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યા નહીં હોવાની વાત પણ સામે આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અત્યારે મીશન વર્લ્ડ કપ પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લો વર્લ્ડકપ પણ પોતાની ધરતી ઉપર જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું હતું. આવામાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે પોતાની તૈયારી વધુ મજબૂત બનાવવી પડશે.

પહેલીવાર ભારતને મળશે સંપૂર્ણ વર્લ્ડકપની યજમાની: 2011માં ત્રણ દેશોએ મળીને કર્યું’તું આયોજન
આ સાથે જ ભારત પહેલીવાર સંપૂર્ણ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે. આ પહેલાં ભારતે પોતાના પાડોશી દેશો સાથે મળીને આ મેગા ટૂર્નામેન્ટની યજમાની કરી ચૂક્યું છે. 2011નો વર્લ્ડકપ ભારત ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. ટૂર્નામેન્ટના અમુક મુકાબલા બાંગ્લાદેશના ઢાકા અને ચિતગોંગ તો શ્રીલંકાના પલ્લેકલ અને કોલંબોમાં રમાયા હતા. જ્યારે ભારતમાં કોલકત્તા, અમદાવાદ, નાગપુર, દિલ્હી, મોહાલી સહિતના શહેરોમાં રમાયા હતા અને ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ હતી જેમાં ભારતે શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.

આ બે કારણોથી કાર્યક્રમની જાહેરાતમાં થઈ રહ્યો છે વિલંબ
સામાન્ય રીતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) વર્લ્ડકપના કાર્યક્રમોની જાહેરાત કમ સે કમ એક વર્ષ પહેલાં કરી દેતું હોય છે પરંતુ આ વખતે તે બીસીસીઆઈ સરકાર તરફથી મળનારી ટેક્સ છૂટ મેળવે તેની રાહ જોઈ રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાની હોવાથી તેની વિઝા મંજૂરી લેવી પણ આવશ્યક હોય તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો હોય છે. પાકિસ્તાની ટીમ 2013 બાદથી જ આઈસીસી ટૂર્નામેન્ટને બાદ કરતાં ભારત સામે મુકાબલા રમી નથી.

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાના 17 ખેલાડીઓ થયા ‘ફાઈનલ’
આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડકપ માટે અંદાજે 17થી 18 ખેલાડીઓના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. કોચ દ્રવિડે કહ્યું કે અમારી પાસે 15થી 16 ખેલાડીઓનું કોમ્બીનેશન છે જેનો અમે ઉપયોગ કરવા માંગીએ છીએ અને તેને લઈને જ કામ કરી રહ્યા છે. વર્લ્ડકપ ટૂર્નામેન્ટ અત્યંત મોટી છે અને ભારતમાં જ તે આયોજિત થવાની છે. આ ટૂર્નામેન્ટ અલગ-અલગ શહેરોમાં રમાનાર હોવાથી અમારે દરેક ગ્રાઉન્ડની પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું પડશે. જે ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલરની સ્થિતિ હશે ત્યાં ચાર ફાસ્ટ બોલર અને જ્યાં સ્પીનરની જરૂર હશે ત્યાં ત્રણ સ્પીનર સાથે ઉતરી શકીએ તે દિશામાં અમારું કામ ચાલી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement