મુંબઈ, તા.22
મહિલા પ્રિમીયર લીગ-2023ના અંતિમ લીગ મુકાબલો યૂપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં મેગ લેનિંગની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે પાંચ વિકેટે જીત મેળવીને ડાયરેક્ટ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે દિલ્હી રવિવારે યૂપી અથવા મુંબઈમાંથી કોઈ એક સામે ફાઈનલ મુકાબલો રમશે. દિલ્હીએ અત્યંત સરળતાથી યૂપીને લીગની અંતિમ મેચમાં હરાવ્યું હતું. દિલ્હીનો દબદબો બોલિંગ ઉપરાંત બેટિંગ-ફિલ્ડિંગમાં પણ જોવા મળ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો આવામાં યૂપીએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 138 રન જ બનાવી શક્યું હતું. વોરિયર્સ વતી સૌથી વધુ 58 રન તાહિલા મેકગ્રાએ બનાવ્યા હતા જે અંત સુધી અણનમ રહી હતી. જ્યારે કેપ્ટન એલિસા હેલીએ 36 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી વતી ત્રણ વિકેટ લઈને એલિસ કેપ્સી સૌથી સફળ બોલર રહી હતી. રાધા યાદવે બે તો જેસ જોનાસે એક વિકેટ ખેડવી હતી.
139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ તાબડતોબ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. કેપ્ટન મેગ લેનિંગે માત્ર 23 બોલમાં જ પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન ઝૂડ્યા હતા. આ ઉપરાંત મીડલ ઑર્ડરમાં બેટિંગ કરવા ઉતરેલી મારીજાન કૈસ અને એલિસ કૈપ્સીએ યૂપીના બોલરોની બેફામ ધોલાઈ કરી હતી. બન્ને ખેલાડીઓના બેટમાંથી 34-34 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી પરંતુ કેપ અંત સુધી અણનમ રહી હતી. આવામાં દિલ્હી 13 બોલ અને પાંચ વિકેટ બાકી રહેતાં જ જીતી ગયું હતું. યૂપી વતી શબનમ ઈસ્માઈલે બે જ્યારે યશશ્રી અને સોફી એક્લેસ્ટોનને પણ એક-એક વિકેટ મળી હતી.