સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો

22 March 2023 10:50 AM
Rajkot Crime Saurashtra
  • સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો
  • સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો
  • સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો
  • સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો

◙ સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી નાક વાઢી લેતાં સ્થાનિક પોલીસ સ્ટાફ સામે તોળાઈ રહેલી કાર્યવાહી

◙ એક મહિના પહેલાં 400 પેટી ભરેલા આઈશરનું કટિંગ ઉપલેટામાં કર્યા બાદ રાજસ્થાનથી બીજું આઈશર બોલાવી જૂનાગઢ આસપાસ સપ્લાય કરવાનું હતું: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચી તે પહેલાં ત્રણ બોલેરો ગાડી દારૂ ભરીને જતી રહી હોવાનું ખુલ્યું

◙ કાગવડ પાટિયા પાસે આવેલી જય વચ્છરાજ હોટેલના પાર્કિંગમાંથી 142 પેટી દારૂ કબજે: ધીરેન કારિયાનો માણસ પકડાયો: હજુ દસ ફરાર

રાજકોટ, તા.22
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું નથી તેવા સરકારના દાવા હંમેશા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવી રીતે છાશવારે કોઈને કોઈ સ્થળ ઉપરથી દારૂનો મોટો જથ્થો પકડાઈ જ રહ્યો છે. આમ તો સૌરાષ્ટ્રમાં અનેક કુખ્યાત બૂટલેગરો દારૂ વેચવાનું દૂષણ ચલાવી રહ્યા છે ત્યારે આ બૂટલેગરોમાં ટોચનું સ્થાન જો કોઈનું આવે તો જૂનાગઢના ધીરેન અમૃતલાલ કારિયાનું ગણી શકાય કેમ કે તેની સામે અત્યાર સુધી દારૂની હેરાફેરીના અનેક ગુના નોંધાયા છતાં પોલીસ તેને પકડી શકી નથી ત્યારે ધીરેન કારિયાએ રાજસ્થાનથી મંગાવેલો દારૂનો આવો જ એક જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પકડી પાડી સ્થાનિક પોલીસની કામગીરીને ઉજાગર કરી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધીરેન કારિયા ઉપરાંત તેના સાગરિત બાબુ બાટલીનું પણ દારૂનો જથ્થો મંગાવવામાં નામ ખુલ્યું હોય તેની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરાઈ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રવિરાજસિંહ એ.જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે રાજકોટથી જેતપુર જવાના રસ્તે કાગવડના પાટીયા પાસે આવેલી જય વચ્છરાજ હોટેલના પાર્કિંગમાં પડેલી બોલેરો પીકઅપને પકડી લઈ તેની તલાશી લેતાં તેમાંથી 1704 બોટલ ભરેલી દારૂની 142 પેટી મળી આવતાં તેના ચાલક ધર્મેશ ઉર્ફે હકો ખોડુભાઈ ચાવડા (રહે.ગોંડલ)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવતાં તેણે પોપટ બની જઈને કબૂલાત આપી હતી કે દારૂની 400 પેટી આઈશરમાં ભરીને રાજસ્થાનથી તે લાવ્યો હતો.

દારૂનો આ જથ્થો તે પરમદિવસ રાત્રે એટલે કે 20 તારીખે જ રાજકોટ જિલ્લામાં આવી ગયો હતો અને અહીં આવ્યા બાદ અલગ-અલગ ત્રણ બોલેરો ગાડીમાં 258 પેટીનું કટિંગ કરી નાખવામાં આવ્યું હતું. જ્યારે બાકીનું કટિંગ ગઈકાલે કરવાનું હતું. દારૂનો આ જથ્થો જૂનાગઢના કુખ્યાત બૂટલેગર ધીરેનઅમૃતલાલ કારિયા તેમજ મેંદરડાના અશોક કાઠી ઉર્ફે બાટલી બાપુએ મંગાવ્યો હોવાની કબૂલાત પણ ડ્રાઈવરે આપી હતી.

પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે પકડાયેલો ધર્મેશ ઉર્ફે હકો ધીરેન કારિયા માટે જ કામ કરે છે અને તેણે ધીરેનના જ આઈશરમાં એક મહિના અગાઉ દારૂની ખેપ મારી હતી. તે ખેપનું ઉપલેટા આસપાસ કટિંગ કરી નાખવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે લાવવામાં આવેલો દારૂ જૂનાગઢ આસપાસના ત્રણ ગામોમાં સપ્લાય કરવાનો હતો જેમાંથી 142 પેટી પકડાઈ ગઈ છે. ધર્મેશ ઉર્ફે હકાને આ દારૂ ભરેલું આઈશર પાલનપુરથી આપવામાં આવ્યું હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

ડ્રાઈવરની કબૂલાત બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેની ધરપકડ કરીને બૂટલેગર ધીરેન કારિયા, અશોક કાઠી ઉર્ફે બાટલી બાપુ, ધીરેનનો નોકર ઉદય, ભૂરો ઉપરાંત બોલરો નં.જીજે14એક્સ-0698નો ચાલક લાલો, બોલરોનો માલિક, જીજે14ઝેડ-1161 આઈશરનો માલિક સહિત 10 લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે 7,01,580 રૂપિયાની કિંમતનો 142 પેટી દારૂ, રોકડ, મોબાઈલ, વાહનો સહિત કુલ રૂા.18,07,420 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. એકંદરે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ વીરપુર પોલીસ મથકના સ્ટાફ ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

બૂટલેગર ધીરેન કારિયા જૂનાગઢના મહિલા કોર્પોરેટરનો પતિ: અગાઉ પણ પોલીસ પર બેફામ આક્ષેપો કરી ચૂક્યો છે
કાગવડ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો પકડ્યા બાદ દારૂ મંગાવનાર બૂટલેગર તરીકે જૂનાગઢના ધીરેન કારિયા સહિતનાનું નામ ખુલ્યું છે જ્યારે ધીરેન કારિયા જૂનાગઢના મહિલા કોર્પોરેટરનો પતિ છે. આ અગાઉ પણ તે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ ઉપરાંત સ્થાનિક પોલીસ ઉપર બેફામ આક્ષેપ કરી ચૂક્યો છે. ધીરેન કારિયાનો આ પહેલાં પણ અનેક વખત મોટાપાયે દારૂ પકડાઈ ચૂક્યો છે પરંતુ તે હંમેશા પોલીસ પકડથી દૂર રહેતો હોવાને કારણે તેને લઈને પણ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ જાય છે.


Related News

Advertisement
Advertisement