મુંબઈ: અમેરિકામાં સર્જાયેલી બેન્કીંગ કટોકટી અને વૈશ્વીક રીતે મંદી સહિતના માહોલની ભારતમાં બહું મોટી અસર થશે નહી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર સારી રીતે માવજત કરાયેલું છે. અન્ય દેશો કરતા અનિશ્ચીતતાનો વધુ સારી રીતે સામનો કરનારુ બની રહ્યું છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેના સ્ટેટ ઓફ ઈકોનોમીના રીપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વીક વૃદ્ધિ દરમાં ઘટાડાના સંકેત છતા અને 2023માં અનેક દેશોમાં મંદીની સ્થિતિ હોવાની આશંકા વચ્ચે કોરોના જેવી સ્થિતિ બાદમાં ભારત વધુ મજબૂત બનીને બહાર આવ્યું છે.રીઝર્વ બેન્કના રીપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકી બેન્કીંગ કટોકટીથી ભારત પર મર્યાદીત અસર થશે.
જો કે રીઝર્વ બેન્કના એક રિપોર્ટમાં ફુગાવા અંગે ચિંતા કરવામાં આવી છે અને તેના કારણે લોકોની વપરાશ અને ખરીદ શક્તિને જે અસર થઈ છે તે યથાવત રહેશે. રીઝર્વ બેન્કના રિપોર્ટમાં જણાવ્યું કે છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં 6.44% નોંધાયા છે. જે જાન્યુઆરીમાં 6.52% હતો. ચિંતા એ છે કે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા છતા તેની અસર છુટક ફુગાવા પર થતી નથી.
ભાવસપાટી નીચી આવી નથી તે ચિંતાની બાબત છે. દેશમાં ફુગાવાની સ્થિતિ રાજયોમાં અલગ અલગ પ્રભાવિત કરે છે અને 2023-24માં ફુગાવો વધી 5.6%ની આસપાસ જ રહેશે તેવું માનવામાં આવે છે.ઉપરાંત હજુ ભારતના ચોમાસા પર અલનીનોની અસર તથા ગરમીના કારણે દેશમાં કૃષી ઉત્પાદનો પર થનારી અસરનો અભ્યાસ બે માસ બાદ થઈ શકશે. આજે જ જયારે અમેરિકી ફેડ તેના વ્યાજદર વધારા અંગે નિર્ણય લેનાર છે અને આગામી માસમાં રીઝર્વ બેન્કની પણ દ્વીમાસીક વ્યાજદર પોલીસી બેઠક મળનાર છે.
તેથી એપ્રિલના મધ્યમાં વધુ સારુ અનુમાન આવી શકે છે. રીઝર્વ બેન્કની બેઠક તા.6 એપ્રિલના રોજ મળશે. રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2023માં 5.3%નો ચોથા કવાટરનો વિકાસ દરનો અંદાજ મુકયો છે. જો કે હજું પણ સપ્લાય ચેઈન પર અસર થઈ રહી છે અને તેના કારણે ભાવ સપાટી ઉચી રહી છે. જો કે દેશમાં મૂડીરોકાણ અને બચતનો રેસીયો ફરી કોરોના કાળ પુર્વેના તબકકે પહોંચી ગયા છે પણ લોકો હજું ખર્ચ કરવામાં થોડી રાહ જોશે.