શકિત ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ‘યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપા સંસ્થિતા’ બુધ્ધિ, શકિત, સ્મરણશકિત પણ દેવીનું સ્વરૂપ છે. આજથી ત્રણ દિવસ દેવી દુર્ગા, પછીના ત્રણ દિવસ લક્ષ્મી તથા છેલ્લા ત્રણ દિવસ મા સરસ્વતીને સમર્પિત છે. દેવી દુર્ગા હિંમત અને શકિતની દેવી (ઉર્જા) શકિત તરીકે ઓળખાય છે. લક્ષ્મી ધન અને સમૃધ્ધિની દેવી છે તથા મા સરસ્વતી જ્ઞાનની દેવી છે.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા શકિત ઉપાસકો મા દેવીની આરાધના કરશે. ચૈત્રી નવરાત્રીમાં સાધકો મૌન રાખીને નવ દિવસની આરાધના કરે છે. માતાજીના મદિરોમાં ભાવિકોની ભીડ નવ દિવસ જોવા મળશે. ભાવિકો માતાની પૂજા, દર્શન કરીને ધન્યતા અનુભવશે. ચોટીલા, આશાપુરા માતાજીનો મઢ, અંબાજી, પાવાગઢ સહિતના દેવી સ્થાનકોમાં મોટી સંખ્યામાં ભાવિકો નવરાત્રી દરમ્યાન દર્શનાર્થે જશે.
રાજકોટમાં આશાપુરા માતાજીનું મંદિર, માઇ મંદિર, કાલી માતાનું મંદિર, અન્નપૂર્ણા દેવીનું મંદિર, જીવંતિકાનું મંદિર સહિતના માના મંદિરોમાં ભકતોની ભીડ આજથી જોવા મળી રહી છે. ઉપરોકત તસ્વીરો રાજકોટમાં પેલેસ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ આશાપુરા માતાજીના મંદિરની છે. જેમાં પ્રથમ મા આશાપુરાના દર્શન થાય છે. આજથી માતાજીને નવ દિવસ વિવિધ શ્રૃંગાર કરાશે, બીજી તસ્વીરમાં ભકતોની ભીડ, ત્રીજી તસ્વીરમાં ભકતોની કતાર તથા છેલ્લી તસ્વીર આશાપુરા મંદિરની છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)