રાજકોટ, તા.22 : ગુજરાત સહિત આખા દેશના ખૂંખાર કેદીઓ જ્યાં સજા ભોગવી રહ્યા છે તે અમદાવાદની સાબરમતિ જેલમાં ગત સાંજે અચાનક જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. એકંદરે આ ચેકિંગ અત્યંત ‘સરપ્રાઈઝ’ રહ્યું હતું કેમ કે હર્ષ સંઘવી એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા પરંતુ અચાનક જ તેઓ આ કાર્યક્રમને પડતો મુકીને સાબરમતિ પહોંચતાં તેમની મુલાકાતને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.
જેલની મુલાકાત દરમિયાન તેમણે બે કલાક સુધી રોકાણ કર્યું હતું અને અલગ-અલગ વિભાગોનું નિરીક્ષણ કરી જરૂરી સુધારા-વધારા પણ સુચવ્યા હતા. હર્ષ સંઘવીએ મધ્યસ્થ જેલની અલગ-અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તેમજ કેદીઓને શું શું સુવિધાઓ અપાઈ રહી છે તેનું જાતે જ નિરીક્ષણ કર્યું હતું. આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે મહાત્મા ગાંધીજીને જ્યાં રાખવામાં આવ્યા હતા તે સાબરમતિ મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે મંદિર સમાન એવા ‘મહાત્મા ગાંધી યાર્ડ’ તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવાયેલા ‘સરદાર યાર્ડ’ની પણ ગૃહમંત્રીએ મુલાકાત લીધી હતી.
જો સજા નહીં હોય તો ડર નહીં હોય અને જો ડર નહીં હોય તો શિસ્ત પણ નહીં હોય અને જો શિસ્ત નહીં હોય તો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરી શકતા નથી આથી સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ જેલ તંત્રની પણ જવાબદારી છે કે જો કોઈ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગાર ન હોય તો આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને તેવું પણ હર્ષ સંઘવીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. જેલના અલગ-અલગ વિભાગોની મુલાકાત લીધા બાદ તેમણે જેલના અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિક્તામાંથી કેવી રીતે બહાર લાવી શકાય તેમજ સમાજના પ્રવાહમાં તેઓ પુન: જોડાઈ જાય તે માટે શું શું પગલાં લઈ શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ નીપૂર્ણા તોરવણે ઉપરાંત ડીજીપી વિકાસ સહાય, મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગૃહ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશનો મોસ્ટ વોન્ટેડ અપરાધી અતીક અહેમદ અત્યારે સાબરમતિ જેલમાં જ સજા કાપી રહ્યો છે. બીજી બાજુ તેના પુત્રોને અત્યારે યુપીની પોલીસ શોધી રહી છે ત્યારે અતીક અહેમદને ‘માપ’માં રહેવા માટે પણ હર્ષ સંઘવીએ મેસેજ આપ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી.