જામનગર, તા.22 : જામનગર જિલ્લામાં લેવાઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગઈકાલે વધુ એક કોપી કેસ નોંધાયો છે. ધોરણ 12 નો એક વિદ્યાર્થી ગઈકાલે અંગ્રેજી વિષયના પેપર દરમિયાન ચાલુ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઈને પહોંચ્યો હોવાથી તેની સામે કોપી કેસ કરાયો છે. ઉપરાંત પોલીસ ફરિયાદ નોંધાવમાં આવી છે. પરીક્ષા ખંડમાં એકાએક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઇલ ફોન રણકતો થતાં મામલો સામે આવ્યો હતો, અને જામજોધપુર પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલ માં બ્લોક નંબર 24 માં ગઈકાલે 21મી તારીખે ધોરણ 12 ની અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી રહી હતી, જે પરીક્ષા ખંડમાં બપોરે ત્રણ વાગ્યા ને 40 મિનિટે જામજોધપુર તાલુકાના જીણા વારી ગામના 12મા ધોરણના વિદ્યાર્થી સંદીપ ગોવિંદભાઈ પીપરોતર (18) કે જેના ખિસ્સામાં એકાએક મોબાઈલ ફોનની રીંગ વાગી હતી, જેથી અન્ય વિદ્યાર્થીઓ અને સુપરવાઈઝર વગેરે સ્તબ્ધ બની ગયા હતા. આવેળાએ પરીક્ષા ખંડમાં હાજર રહેલા સુપરવાઇઝર બિરજુભાઈ કાંતિભાઈ કનેરીયા કે જેમણે મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો, અને જામનગરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને તાત્કાલિક અસરથી જાણ કરી હતી, અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસમાં લઈ જવાયો હતો.
જ્યાં પરીક્ષા ખંડના સુપરવાઈઝર બિરજુભાઈ કનેરિયા ની ફરિયાદના આધારે વિદ્યાર્થી સંદીપ ગોવિંદભાઈ પીપરોતર સામે આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એચ. કરમુર દ્વારા વિદ્યાર્થી પાસેથી વીવો કંપનીનો વાય 12 મોડલ નો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબજે કરી લીધો છે, જ્યારે વિદ્યાર્થીને અટકાયતમાં લીધા પછી તેને તુરત જ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો છે. ચાલુ પરીક્ષા દરમિયાન જામનગર જિલ્લામાં બીજો કોપી કેસ નોંધાયો છે. ઉપરોક્ત વિદ્યાર્થી કે જે વધારાનું પેપર આપી રહ્યો હતો, અને પોતાનાથી ભૂલથી મોબાઈલ ફોન પરીક્ષા ખંડમાં રહી ગયો હોવાનું જણાવ્યું હતું.