► મુંબઈના અનેક ભાગોમાં પાણી ભરાયા; જનજીવનને અસર: છત્તીસગઢમાં કરાના વરસાદ- વિજળીથી 8 ના મોત
નવી દિલ્હી તા.22: ભારતનાં ઉનાળાનાં વહેલા પ્રારંભ બાદ હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં માવઠા કમોસમી વરસાદ કહેર સર્જી રહ્યો છે. ત્યારે ઉતરાખંડમાં ફરી શિયાળાનો માહોલ સર્જાયો હોય તેમ તાપમાનમાં એક ઝાટકે 12 થી 15 ડીગ્રીનો ઘટાડો થયો છે.મુંબઈમાં પણ માર્ચમાં અસામાન્ય ઘટનામાં ચોમાસા જેવા વરસાદ વચ્ચે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.ઉતરાખંડમાં કેદારનાથ સહીતના અમુક ભાગોમાં ત્રણેક દિવસથી સતત હિમવર્ષા થઈ જ રહી હતી.ગઈકાલે રાજયના મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ થયો હતો. ઉતરકાશી, રૂદ્રપ્રતાપ તથા ચમૌલીમાં પણ હિમવર્ષા થતા શિયાળાનો માહોલ રચાયો હતો.
પરીણામે સર્વત્ર તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો. રાજયમાં માર્ચમાં સરેરાશ 10.4 મીમી પાણી વરસતુ હોય છે. તેની સરખામણીએ 14.4 મી.મીપાણી પડયુ હતું. જે નોર્મલ કરતા 931 ટકા વધુ છે. રાજયનાં પંતનગરમાં અઢી ઈંચ, મસુરીમાં બે ઈંચ, દહેરાદુન-ચંપાવતમાં સવા-સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ-હિમવર્ષાને પગલે રાજયભરમાં તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.દહેરાદુનનુ તાપમાન એક જ ઝાટકે 9 ડીગ્રી નીચે સરકીને 19 ડીગ્રી થયુ હતું. તેહરીનું તાપમાન 15 ડીગ્રી નીચે ઉતરી ગયુ હતું. મુકતેશ્વરમાં તાપમાનમાં 14 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈનાં હવામાનમાં અસામાન્ય પલટો આવ્યો હતો. ચોમાસા જેવો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું. ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. તાપમાનમાં પણ 2.6 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. થાણે, ભાયંદર, વસઈ, વિરાર જેવા ભાગોમાં ભારે વરસાદ ખાબકયો હતો. મુંબઈમાં માર્ચમાં વરસાદ પડવાને આસામન્ય ગણવામાં આવે છે. મહાનગરનાં કેટલાંક વિસ્તારોમાં તે એક એક ઈંચ વરસાદ થતા પાણી ભરાયા હતા. મુલુંડ, ભાંડુપ, માંડવી, ભાયખલામાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. કેટલાંક ભાગોમાં બસરૂટમાં બદલાવ કરવો પડયો હતો. આ સિવાય છતીસગઢમાં પણ વિજળી અને કરાનો કહેર હતો તેમાં 8 લોકોના મોત નીપજયા હતા