રાજકોટ, તા.22 : સૌરાષ્ટ્રમાં કમૌસમી વરસાદ હવે ઉનાળામાં ચોમાસાનો અનુભવ કરાવી રહ્યો છે. તેમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા હજુ આજે અને કાલે માવઠા થવાની આગાહી કરાઇ છે.ચોટીલામાં ગઇકાલે કડાકા ભડાકા સાથે વરસાદ અને ગામડામાં કરા પડયા હતા. સાવરકુંડલા પંથકમાં ઘોડાપુર આવ્યું હતું અને મોરબીમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટમાં ગઇકાલે છાંટા અને સમુદ્ર વિસ્તારમાં ઝાપટા પડતા રસ્તા પરથી પાણી વહી ગયા હતા.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે વધુ એક સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી બે દિવસ ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વરસાદી માહોલ યથાવત રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, રાજકોટ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. ર3 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ચોટીલા પંથક
ચોટીલા પંથકમાં છેલ્લા પાચ દિવસથી કમોસમી માવઠારૂપી વાતાવરણ છવાયેલું છે મંગળવારના મોડી સાંજે વિસ્તારમાં ચોથો રાઉન્ડ માવઠાનો વરસ્યો છે. વિસ્તારમાં દરરોજ બપોર બાદ માવઠાનાં વરસાદ ને કારણે ખેડૂતોનાં ઉભા પાક ને મોટુ નુકશાન થયાની બૂમરાણ ઉઠી છે અને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર અપાય
તેવી માંગ જગતાત દ્વારા કરવામાં આવી છે. મંગળવારની સાંજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડેલ છે જેમા મોલડી, ચાણપા, જાનીવડલા, પીપળીયા, ડોસલીધુના સહિતના ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે જાણે કમોસમે અષાઢી માહોલ સર્જેલ અને માવઠાનો વરસાદ વરસે છે તો ઠાંગા પંથકનાં અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા. ખેડૂતોનાં જણાવ્યા મુજબ જીરૂ, ઘઉ, લસણ અને ડુંગળી જેવા પાકોને મોટા પ્રમાણમાં ઉભા છે જેઓને મોટી નુકશાની છે.
સાવરકુંડલા
સાવરકુંડલાના આસપાસના ગામોમાં અનરાધાર વરસાદ પડયો હતો. ત્યારે ધાંડલા ગામમાં પાણી ભરાયા હતા અને બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ધાંડલા ગામની આસપાસ સુરજવડી અને જામવાળી એમ બે નદીઓ પસાર થાય છે અનરાધાર વરસાદ પડતા સ્થાનિક જે નદીઓ પસાર થાય છે. તેમાં ઘોડાપુર આવ્યું હતું ત્યારે આ પુરને જોવા લોકો ઉમટી પડયા હતા. ભરઉનાળે નદીઓમાં પુર આવવાથી લોકોમાં પણ એક ચિંતાનો માહોલ અને ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
બગસરા
બગસરા પંથકમાં બપોર બાદ બફારો થતાં વરસાદી માહોલ છવાયો હતો માવઠું થતા સમગ્ર તાલુકામાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બગસરા પંથકમાં મેઇન બજાર, વિજય ચોક, ગોંડલીયા ચોક, સ્ટેશન રોડ, ખાડીયા વિસ્તાર શાક માર્કેટ સહિત વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
મોરબી
મોરબીમાં ગઇકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં સીટી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી જનજીવન દોડતુ થઇ ગયું હતું. મુખ્ય રસ્તાઓ ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા. સતત મેઘમય વાતાવરણ બાદ બપોરના સમયે વરસાદ ચાલુ થયો હતો અને આશરે અડધો ઇંચ જેવો વરસાદ મોરબીમાં પડયો હતો.
તેમજ મોરબી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ પડયો હોવાના અહેવાલ છે. જયારે ટંકારા પંથકના ગામડાઓમાં સામાન્ય વરસાદ પડયો હોવાની માહિતી સાંપડી રહી છે. તો હળવદ તેમજ વાંકાનેરમાં નહીંવત વરસાદ પડયો છે. વરસાદ અંગે પુછપરછ માટે જીલ્લા કંટ્રોલ રૂમના ફોનમાં નંબર લગાવતા ફોન બંધ આવતો જોવા મળ્યો હતો. જો કોઇ મોટી ઘટના હોય તો કોઇ માહિતી કેવી રીતે આપી કે મેળવી શકે તે સવાલ ઉભા થાય છે. જીલ્લા કલેકટર આ અંગે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.