લંડન : લંડનમાં રવિવારે ઈન્ડિયન હાઇ કમિશન પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ તસવીરની બીજી બાજુ દેખાઈ. મંગળવારે સેંકડો ભારતીય નાગરિક(શીખ સહિત) ઈન્ડિયન હાઇ કમિશન બહાર ભેગા થયા અને ભારતની એકતાનો સંદેશ આપ્યો. આ દરમિયાન ભારત માતાની જય અને જય હિંદના નારા ગૂંજ્યા. પ્રદર્શન કરી રહેલા લોકો ભારતીય ફિલ્મ સ્લમડોગ મિલિયનરના ઓસ્કર વિનિંગ સોન્ગ ‘જય હો’ પર નાચતા જોવા મળ્યા.
એક બ્રિટિશ પોલીસ અધિકારી પણ એક ભારતીય યુવતી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અધિકારી યુવતી સાથે ડાન્સ શીખી રહ્યા હતા. મંગળવારે ખાલિસ્તાનીઓની પ્રવૃતિનો વિરોધ કરવા ભેગા થયેલા લોકોમાંથી એકે કહ્યું, કેટલાક લોકો ભારત અને અહીંયા શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરે છે.
આ લોકોને જવાબ આપવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી તિરંગો ઉતાર્યો હતો, ત્યારે પોલીસ હાજર નહતી. રવિવારે જ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. ત્યાંના દરવાજા અને બારીઓ તોડવામાં આવી હતી.