ગાંધીનગરમાં જી-20ની વધુ એક બેઠક

22 March 2023 12:05 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરમાં જી-20ની વધુ એક બેઠક

27મીથી 3 દિવસની કલાયમેટ ચેન્જ બેઠકમાં કેન્દ્રના સીનીયર સચિવો હાજરી આપશે

ગાંધીનગર: પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી ક્ધઝર્વેશન જેવા ક્ષેત્રો પર હવે યોજાનાર જી.20 વર્કીંગ ગ્રુપ્સની બેઠકો યોજાનાર છે એમાં આગામી તા.27થી29 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ સસ્ટેનેબીલીટી વર્કીંગ ગ્રુપની બીજી મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકનો આરંભ જી-20ના શેરપા અમિતાભ કાંત કરશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં યોજાનારી જી-20 બેઠકોના સંયોજક અને નાણાંવિભાગના અગ્રસચીવ મોના ખંધારે પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, આ બેઠકમાં ભાગ લેવા માટે 30 દેશોના પ્રતિનિધિઓ આવશે. આ ઉપરાંત અલગ અલગ વિષયો પર થનારા મંથન માટે ભારતના વન અને પર્યાવરણ સચીવ લીના નંદન, જળસંપતિ મંત્રાલયના વિશેષ સચીવ દેબાશ્રી મુખર્જી, વન, પર્યાવરણ અને આબોહવા મંત્રાલયના મહાનિર્દેશક સી.પી.ગોયલ અને અધિક મહાનિર્દેશક બિવાશ રંજન, વન મંત્રાલયના અધિક સચિવ રિચા શર્મા સહિતના વિવિધ વરિષ્ઠ સચીવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નેશનલ મિશન ફોર કિલન ગંગા, સેન્ટ્રલ વોટર કમીશનના વડાઓ પણ સામેલ થશે.

આ બેઠકમાં અગાઉ જી-20ની અધ્યક્ષતા કરનાર ઈન્ડોનેશિયા અને હવે પછી અધ્યક્ષતા કરનાર બ્રાઝીલના પ્રતિનિધિઓ વચ્ચે બેટન ચેન્જ વિધિ થશે. વિશ્વ પર્યાવરણ અને આબોહવાના સંરક્ષણ, સંવર્ધન માટે કાર્યરત યુએન એજન્સીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસમાં પ્રથમ દિવસે સાઈટ વિઝીટ થશે.

ખાસ કરીને પ્રતિનિધિઓને અડાલજની વાવ, સાબરમતી નદી પર નર્મદા સાયફન, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ ફુટ ઓવરબ્રીજની મુલાકાત કરાવાશે. સાંજે ઈવેન્ટ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગાલા ડિનર યોજાશે. 27મી માર્ચે જળ સંસાધન વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રેકટીસીસ પર પ્રેઝન્ટેશન પણ થશે.

28મીએ કલાઈમેટ રિઝિલિયન્ટ ઈન્ફ્રા, ભુગર્ભ જળ વ્યવસ્થાપન, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત- વોટર સેનીટેશન અને હાયજીનનું સાર્વત્રિકરણ અને તેની અસરો, કલાઈમેટ ચેન્જ મિટીગેશન સાથે સંબંધીત જમીન પુન: સ્થાપન પર સૂચિત ગાંધીનગર ઈમ્પ્લિમેન્ટેશન રોડ મેપ, રિસોર્સ ઓફિશિયન્સી અને સકર્યુલર ઈકોનોમી જેવા મુદાઓ પર ચર્ચા થશે. 29મીએ મહાસાગરો, બ્લ્યુ ઈકોનોમી અને તેને સંબંધીત ક્ષેત્રો પર ટેકનીકલ સેશન યોજાશે. ત્યારબાદ સૌને દાંડી કુટીરની મુલાકાતે લઈ જવાશે.


Related News

Advertisement
Advertisement