નવીદિલ્હી, તા.22 : પંજાબ કિંગ્સ આઈપીએલમાં હજુ એકવાર પણ ટ્રોફી જીતી શક્યું નથી. આ વખતની ટૂર્નામેન્ટમાં ટીમ નવા ચોક અને કેપ્ટન સાથે ઉતરી રહી છે. આ ટીમની કમાન શિખર ધવન પાસે તો કોચિંગની જવાબદારી ઈંગ્લેન્ડના વિશ્વ વિજેતા કોચ ટ્રેવર બેલિસના હાથમાં આવી છે પરંતુ સીઝન શરૂ થતાં પહેલાં જ પંજાબને મોટો ઝટકો લાગ્યો છે.
આ ટીમનો સ્ટાર ખેલાડી અને તોફાની બેટર જોની બેરિસ્ટો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બેરીસ્ટો અત્યારે ઈજાગ્રસ્ત છે અને આ જ કારણથી તે ટૂર્નામેન્ટ રમી શકશે નહીં. બેરિસ્ટોના પગમાં ઈજા થતાં તે ઘણા લાંબા સમયથી ક્રિકેટથી દૂર થટો છે. અત્યારે તે સાજો થઈ રહ્યો છે એટલા માટે આઈપીએલમાં રમી શકે તેમ નથી. બેરિસ્ટો સપ્ટેમ્બર-2022માં ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે પડી જતાં તેના લિગામેન્ટમાં ઈજા થઈ હતી. તેના ડાબા પગમાં મેટલ પ્લેટ ફીટ કરવામાં આવી છે
જેમાંથી હજુ તે સાજો થઈ શક્યો નથી એટલા માટે તે આઈપીએલમાંથી બહાર રહેશે. આ જ ઈજાને કારણે તે પાછલા વર્ષે ઑસ્ટ્રેલિયાની મેજબાનીમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં રમ્યો નહોતો જેને ઈંગ્લેન્ડે પોતાના નામે કર્યો હતો. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પંજાબ કિંગ્સે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. બેરિસ્ટોએ પાછલી સીઝનની 11 ઈનિંગમાં 144.57ના સ્ટ્રાઈક રેટથી 253 રન બનાવ્યા હતા. આ બેટર એવો છે જે પોતાની બેટિંગથી ગમે ત્યારે સ્થિતિ પલટાવી શકે છે.