એબટાબાદ (પાકિસ્તાન), તા.22 : સ્થાનિક ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણીમાં જીત બાદ મુખ્ય વિપક્ષપાર્ટી પીટીઆઇમાં ભળી ગયેલા નેતા આતિક મુન્સિફ પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે રોકેટ લોન્ચરથી તેમના કાર પર હુમલો થતા 10 લોકોના મોત થયા હતા. વિરોધી સમુહ દ્વારા લક્ષિત હુમલામાં આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર હવેલિયાના મેયર આતિક મુન્સિફ કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેમની કારની ઇંધણની ટેન્કને રોકેટ લોન્ચરથી હુમલો કરીને નિશાન બનાવી હતી જેથી આગ લાગતા કારમાં વિસ્ફોટ થયો હતો.
આ હુમલામાં કાર ખાખ થઇ ગઇ હતી અને 10 લોકોના મોત થયા હતા જયારે બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા અભિયાન શરૂ કરી દીધું છે. હુમલા બાદ મુન્સિફનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે પોતાના મોતના કેટલાક કલાક પહેલા લંગડા ગામમાં બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે.