ગાંધીનગર તા.22 : રાજયમાં આવેલી 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સીપાલ છે બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન આવતા 26 કોલેજોને કાયમી પ્રિન્સીપાલ મળતા નથી. વિધાનસભાના સત્ર દરમિયાન આ મુશ્કેલીનો ઉકેલ આવશે તેવું માનવામં આવતું હતું. જો કે, હજુ સુધી આ મુદે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ સ્થિતિમાં હવે આગામી દિવસોમાં પણ કોલેજોને કાયમી પ્રિન્સીપાલ મળશે કે કેમ તે નકકી નથી. ધો.10 પછી આગામી દિવસમાં ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થવાની છે.
રાજયમાં સરકારી ડિપ્લોમા ઈજનેરે કોલેજોની સંક્યા 31 છે જેમાંથી મોટાભાગની કોલેજોમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાયમી પ્રિન્સીપાલ જ નથી. ડિપ્લોમા ઈજનેરી કોલેજના સૂત્રો કહે છે કે પ્રિન્સીપાલ માટે લાયક અનેક ઉમેદવારો છે પરંતુ સરકાર દ્વારા ટેકનીકલ કારણોસર રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન આવતા પ્રિન્સીપાલ તરીકે નિયુકિત આપી શકીત નથી. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા ડિપ્લોમા ઈજનેરીમાં પ્રિન્સીપાલ માટે એમ.ઈ. અથવા તો પીએચડી એવી જોગવાઈ કરવામાં આવી છે.
સૂત્રો કહે છે રાજય સરકારના ટેકનીકલ શિક્ષણ વિભાલગ દ્વારા પ્રિન્સિપાલ માટે પીએચડી ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે પીએચડી થયેલા હતા તે પાંચ પ્રોફેસરોને પ્રિન્સીપાલ તરીકે જુદી જુદી કોલેજોમાં નિયુકત આપી દેવામાં આવી હતી. બાકીની કોલેજોમાં પ્રિન્સીપાલની જગ્યાઓ ખાલી પડી છે. મહત્વની વાત એ છે કે સાતમા પગારપંચમાં પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એમ.ઈ અથવા તો પીએચડી થયેલા હાય તેમને પણ પ્રિન્સીપાલ તરીકે નિમણુંક આપી શકાય છે. જોકે, કાઉન્સિલ દ્વારા પણ અગાઉ આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં અવી હોવા છતાં માત્ર રાજય સરકારે પીએચડી ફરજિયાત તરીકે ઉલ્લેખ કર્યો હોવાથી નિયુકિત કરી શકાતી નહોતી.
હાલમાં સાતમા પગારપંચમાં કરાયેલી જોગવાઈનો આધાર લઈને રીક્રૂટમેન્ટ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવે તે જરૂરી છે. સૂત્રો કહે છે વિધાનસભાના સત્ર દરમિયાન જ આ પ્રકારના સુધારાઓ કરી દેવામાં આવશે તેવું માનવામાં આવતું હતું. જોકે, હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલની સ્થિતિ એવી છે કે પ્રિન્સીપાલ તરીકે નિમણુંક કરનારા પ્રોફેસરોના પગાર ધોરણમાં કોઈ ફરજ પડે તેમ નતી. માત્ર હોદામાં ફેરફાર થાય તેમ છે. આમ છતા હજુ સુધી આરઆરમાં સુધારો કરવામાં ન આવતા હવે આગામી દિવસોમાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાયમી પ્રિન્સીપાલની નિમણુંક થશે કે કેમ તેની અનિશ્ર્ચિતતા જોવા મળી રહી છે.