રાજકોટ, તા.22 : ધોરાજીમાં ખેતરમાં સુકવણી માટે રાખેલ રૂ.1.12 લાખના મરચાની ચોરી થઈ છે. આ અંગે ગીરીશભાઈ પટેલ નામના ખેડૂતે ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેડૂત ગીરીશભાઇ દામજીભાઇ સતાસીયા (પટેલ) (ઉ.વ. 44, રહે. ધોરાજી માતાવાડી પ્લોટ રણછોડભાઇ કોયાણીના ઘરની પાછળના ચોકમાં)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારે ધોરાજી - જામનગર રોડ ઉપર હનુમાનવાડી તરીકે ઓળખાતી સીમમાં વીશ વિઘા જમીન આવેલ છે તેમાં ખેતી કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું.
ગઇ તા.10/02/ 2023 ના રોજ સવારના સાતેક વાગ્યે અમો તથા અમારા પત્ની શોભનાબેન હનુમાન વાડીએ અમારા ઢોર (ગાય) દોહવા ગયેલ હતા અને સાડા સાતેક વાગ્યે અમારા ખેતરમાં મરચા ઉતારવા માટે સચીન ડીંડોર તથા તેના મમ્મી ચંપાબેન એમ બન્ને આવેલ હતા અને અગાઉ ઉતારેલ મરચાના ઢગલા તથા ભારી બાંધેલ સુકા મરચાની ભારીઓ કુલ 37 પડેલ હતી અને અમારે બહાર ગામ લગ્નમાં જવાનું હોય જેથી આ મજુરને મરચા ઉતારી ખેતરમાં સુકવવાની સૂચના આપી હતી. બીજા દિવસે એટલે કે તા.11/02/2023 ના બપોરના ત્રણેક વાગ્યે લગ્નમાંથી આવીને હું તથા મારા મોટાભાઇ ચંદુભાઇ ખેતરે આટો મારવા તથા મજુરે કેટલા મરચા ઉતારેલ છે તેની તપાસ કરતા અને ખેતરમાં જોયુ
તો મરચાની કુલ 37 ભારીમાંથી 16 ભારી મરચા કોઇ લઇ ગયેલ હોય તેથી મેં ખેતરમાં બીજા છેડે મરચા ઉતારતા મજુરને બોલાવી પૂછેલ કે અહીં મરચાની કુલ 37 ભારી હતી તેમાથી 16 ભારી મરચા નથી તમને ખબર છે કે કોણ લઇ ગયેલ છે જેથી આ મજુરે કહેલ કે અમને ખબર નથી. અમે કાલે સાંજે સાડા છ વાગ્યા સુધી મરચા ઉતારી સુકવવા માટે અહી નાખવા આવેલ હતા ત્યાં સુધી તો બધી મરચાની ભારી પડેલ હતી. ખેતરના શેઢા તરફ આ ભારીઓ કોઇ લઇને ગયેલ હોય તેમ મરચા ખેતરમાં વેરાયેલ પડેલ જોવામાં આવતા
તે દિશામાં જઇ જોયુ તો ઉતર તરફના અમારા ખેતરના સીડા પાસે પણ મરચા વેરાયેલ હતા અને વચ્ચે ઘઉ વાવેલ હતા તેના પાણીના ધોરીયામાં માણસોની અવર જવરના પગલાના નિશાનો હતા અને તેમાં મરચા વેરાયેલ પણ પડેલ હતા અને સીડા પાસે કોઇ ચાર વ્હિલ વાળા વાહનના ચીલા પડેલ હોય. તે ચાર વ્હીલ વાળા વાહનમાં આ મરચા ભરેલ હોય તેવું જણાતુ હતુ. તપાસ કરી પણ કોણ મરચા લઈ ગયું એ જાણવામાં ન આવતા રૂ.1.12 લાખની કિંમતના 32 મણ મરચા કોઈ લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.