(વિપુલ હિરાણી) ભાવનગર, તા.22 : માવઠા એ તમામ ખેત જણસ ની માઠી બેસાડી તેવી ખેડૂતો ની વેદના વચ્ચે ગઇકાલે ભાવનગર જિલ્લાના તળાજા યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન ઘઉં ની માંગ અને ભાવમાં સારો એવો ઉછાળો આવ્યો નું નોંધવામાં આવ્યું.
માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં આજે પ્રથમ વખત એક સારા વક્કલ ના ઘઉં ના ભાવ ખુલ્લી અને જાહેર હરાજી મા મણ ના 751/- રૂપિયા બોલવામા આવ્યા. માવઠા એ મોટાભાગના ખેડૂત ને નુકશાની મા નાખી દીધા છે.પરંતુ જે ખેડૂતના ઘઉં માવઠા પહેલા પાકી ગયા હતા ને વાડી ખેતર માંથી લણીલીધા હતા તેવા ખેડૂતો ને હાલ એક મણ ઘઉં એ રૂપિયા પચાસ થી એકસો વધુ મળી રહ્યા છે.
તળાજા તાલુકામાં 7891 હેકટર એટલેકે 48000 વીઘા મા ઘઉંનું વાવેતર થયેલ છે. આજે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે 496 જાતના ટુકડા ઘઉં સારી ક્વોલિટી ની એક વક્કલ ના ભાવ ખેડૂત ને મણે સાતસો એકાવન રૂપિયા મળ્યા હતા.યાર્ડ મા ઘઉં ની હરાજી કરતા પાતુભાઈ ભાદરકા એ જણાવ્યું હતુંકે આજ સુધીના ઇતિહાસમાં આ હાઈએસ્ટ ભાવ છે. બે દિવસથી ભાવ વધારો આવ્યો હતો. 725/- રૂપિયા બોલાયા બાદ ગઇકાલે રૂપિયા પચીસ નો વધારો નોંધાયો હતો.
માવઠા પહેલા જે ઘઉં પાંચસો રૂપિયા ની અંદર વેચાતા હતા તેવી ક્વોલિટી ના ભાવ પણ હાલ રૂપિયા પાંચસો થી વધુ બોલાઈ રહ્યા છે .સરેરાશ મણ દીઠ પચાસ થી એકસો રૂપિયા નો વધારો આવ્યો છે.તેઓએ ઉમેર્યું હતુ કે સૌરાષ્ટ્ર મા તમામ યાર્ડમાં ઘઉં ના ભાવ ઊંચકાયા છે.ગઇકાલે મહુવા યાર્ડ મા 825/- બોલાયા હતા.
ડાયરેક્ટર
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડાયરેકટર અને વેપારી મનસુખભાઇ ઝીંઝાળા એ ઘઉંના ભાવ વધવા પાછળ નું કારણ દર્શાવ્યું હતુંકે માવઠા ની અસર વર્તાઈ છે.લોકોને એમ છેકે માવઠા બાદ ઘઉં ખરાબ થઈ ગયા હોય સારો માલ નહિ મળે.આથી ઘરાકી વધી છે.સારા માલ ની આવક ઓછી ને ઘરાકી વધતા ઘઉં ના ભાવ ઊંચકાયા છે.સારા ઘઉંના ભાવ વધવાની આશા છે.હાલ જે ભાવ છે તે ટકી તો રહેશે જ તેવી હાલ બજાર ની રૂખ જણાય રહી છે.
500 કટ્ટા આવ્યા
યાર્ડ ઇન્સ્પેકટર પાચુભાઇ ભમ્મર ના જણાવ્યા પ્રમાણે યાર્ડ મા બે દિવસથી ઘઉંના ભાવ અને આવક પણ વધી છે. ગઇકાલે અંદાજે પાંચસો જેટલા કટ્ટા આવ્યા હતા. અમુક લોકો બજાર માંથી ઘઉં ખરીદવાના બદલે સીધાજ યાર્ડમાં આવે છે. અહી તમામ ક્વોલિટી ના ઘઉં મળી રહે છે.ખુલ્લી હરાજી થતી હોઇ છેતરાવવા નો ભય રહેતો નથી.ખાવા માટે અહી ઘઉં લેવા આવતા હોવાના કારણે ભાવ ઉછળ્યા છે.