જામનગર તા.22: વિધાનસભા ગૃહ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘આત્મા ગામડાની, સુવિધા શહેરની’ સંકલ્પના આપી હતી, જે આજે મહાત્મા ગાંધીજીનું ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરી રહી છે. આ સંકલ્પનાનો ધ્યેય ગ્રામ્ય જનતાને તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવવાનો છે, જેના પરિણામે રાજ્ય સરકારે ગામડાઓને અનેક સુવિધાઓ પૂરી પાડી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન ગામડાઓ વિકાસની દિશામાં આગેકૂચ કરી રહ્યાં છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં રાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસ માટે રૂ. 3,175 કરોડની જોગવાઈ ફાળવી છે. પંચાયત તરફ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ સાથે ગ્રાઉન્ડ લેવલ ઈન્ફાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
ગાંધીજીએ કહ્યું છે કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. આત્મનિર્ભર ગામડાઓ થકી રાજ્ય અને રાષ્ટ્ર આત્મનિર્ભર બને અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સૌના સાથ, સૌના સહકાર અને સૌના પ્રયાસના મંત્ર સાથે ગ્રામ વિકાસ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે એમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દરેક કુટુંબની જીવનનિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં કુટુંબદીઠ ઓછામાં ઓછી 100 દિવસની સવેતન રોજગારી આપવામાં આવે છે. જેનો પ્રતિ દિન વેતનનો દર રૂ. 239/- છે. વર્ષ 2022-23માં 445.26 લાખ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે તથા વર્ષ 2023-24 માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે હેતુથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ રૂ. 1116/- કરોડની અને મટીરીયલ સહાય માટે રૂ. 200/- કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પ અંતર્ગત વર્ષ 2024 સુધી પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ માટે વર્ષ 2022-23માં 4,02,933 આવાસો પૂર્ણ કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો માટે વ્યક્તિગત શૌચાલયના નિર્માણ અને ઘન અને પ્રવાહી કચરાના સુયોગ્ય રીતે નિકાલ કરવાના હેતુથી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)-2 અંતર્ગત મુખ્ય પડકાર રાજ્યના જિલ્લાઓની ખુલ્લામાં શૌચમુક્ત બનેલ પરિસ્થિતિના દરજ્જાને લાંબા સમય સુધી જાળવી રાખવા સ્વચ્છ ભારત મીશન - ગ્રામીણ યોજના હેઠળ રૂ. 200/- કરોડની જોગવાઇ કરવામાં આવી છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગ્રામીણ મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે રાજ્ય સરકારે કરેલા કાર્યોની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી ગ્રામીણ મહિલાઓ દ્વારા સખીમંડળની રચના કરી આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓના થકી મહિલાઓના જીવનધોરણમાં ચોક્કસપણે બદલાવ આવ્યો છે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળ 2,69,501 જેટલાં જૂથોની રચના કરવામાં આવેલ છે. સ્વસહાય જૂથોને રિવોલ્વીંગ ફંડ પેટે રૂ.182 કરોડ સહાય તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. 754 કરોડ આપવામાં આવ્યાં છે. જે માટે વર્ષ 2023-24માં રૂ. 210/- કરોડની જોગવાઇ કરેલ છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ પ્રયત્નોને કારણે મહિલાઓ આજે વિવિધ સિદ્ધિઓ મેળવી ઉચ્ચકક્ષાના એવોર્ડ મેળવ્યાં છે. તાપી જિલ્લાના શ્રીમતિ રમીલાબેન ગામીતને સામાજીક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ વર્ષ-2021 માટે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે. તેમજ નર્મદા જિલ્લાના ઉષાબેન દિનેશભાઈ વસાવાને ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવા અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોને માર્ગદર્શન આપવાની શ્રેષ્ઠ કામગીરી બદલ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
દેશમાં પાણીના વ્યવસ્થાપનને અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કુદરતી સંસાધનો જેવા કે, ભૂમિ અનેભેજ સંરક્ષણ થકી જળસ્ત્રાવ વ્યવસ્થાપન કરી પર્યાવરણની જાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ વોટરશેડ કમ્પોનન્ટમાં નવા 51 પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યાં છે, જે અંતર્ગત વર્ષ 2022-23માં એન્ટ્રી પોઇન્ટના 1012 કામ, જમીન અને ભેજ સંરક્ષણના, જળસંગ્રહના અને ભૂ-જળ રિચાર્જના કુલ 2506 કામો તથા આજીવિકા પ્રવૃતિના કુલ 9377 કામો પૂર્ણ થયાં છે, તેમજ કુલ રૂ. 33 કરોડનો ખર્ચ થયો છે. તેમજ વર્ષ 2023-24 માં રૂ.220 કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રીએ કહ્યું હતું.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકોને પાકા આવાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ પાસે હાલમાં કુલ 18.62 લાખ ચો.મી.થી વધુ જમીન ઉપલબ્ધ છે. જે અંતર્ગત સુરતમાં રૂંઢ આવાસ યોજના હેઠળ નિર્મિત 20 દુકાનો ઈ-ઓક્શન દ્વારા ફાળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ ઉપરાંત ગાંધીનગરના અડાલજ ખાતે પણ લો-ઇન્કમ ગ્રુપ યોજના હેઠળના 448 આવાસોનુ પ્રધાનમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવેલું છે. આ યોજના અંતર્ગત નિર્મિત 16 દુકાનોનું ઈ-ઓક્શનથી ફાળવણી કરવાનું આયોજન છે. બોર્ડની જમીન સુરક્ષિત કરવા તાર ફેન્સીંગ કરવા 250 લાખની અને બોર્ડની જમીનોની વાસ્તવિક સ્થિતિનું સર્વેક્ષણ કરવા 50 લાખની નવી બાબત સૂચવવામાં આવી છે.
મંત્રીએ ગામડાઓના સર્વાંગી વિકાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે ગામડાઓમાં ‘જ્યોતિગ્રામ યોજના’ થકી 24-કલાક થ્રી ફેઇઝ વીજળી મળે છે, ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ દ્વારા આંતરિક પાકા રસ્તાઓથી લઇ તાલુકા મથકને જોડાતા પાકા રસ્તાઓ બની ગયા છે, સ્વચ્છતા માટે ‘સ્વચ્છ ભારત મિશન’ યોજનાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત ગામડામાં પશુઓના છાણમાંથી ‘ગોબરધન યોજના’ થકી ગેસ તથા સેન્દ્રીય ખાતર બની રહ્યું છે. ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન’ હેઠળ મહિલાઓને સખીમંડળ મારફત સ્વાવલંબી બની રહી છે. ઘરે ઘરે ‘નળ સે જળ’ યોજનાથી પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત પાકા ઘરોની સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગામડાના યુવાનોને ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ હેઠળ ‘કૌશલ્ય વર્ધક તાલીમ’ અપાઈ રહી છે. પ્રત્યેક વ્યક્તિને ‘મનરેગા યોજના’ અંતર્ગત 100 દિવસની રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. જેના થકી ગામડાના બાળકો માટે આંગણવાડી અને યુવાનો માટે રમત-ગમતનું મેદાન, લાયબ્રેરી, કોમ્યુનીટી હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ગ્રામજનોને ‘ઈ-ગ્રામવિશ્વ ગ્રામ’ થકી યોજનાકીય તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. વિધાનસભામાં ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની માંગણીઓ પસાર થઈ હતી.