જામનગર તા.22: વિવાદનું ઘર બની ગયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ વેસ્ટ-ટુ-એનર્જી કંપનીમાં સર્જાયેલી બબાલને પગલે કંપની વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં ગત મોડી રાત્રે કંપનીના સિકયુરિટી ગાર્ડે ટ્રક સાઈડમાં લેવા બાબતે ડ્રાઇવર સાથે માથાકૂટ કરીને હુમલો કરી દેતા ચાર લોકોને ઇજા થવા પામી હતી. જેને લઈને તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આરોપી સિક્યુરિટી ગાર્ડે બેફામ દારૂ ઢીંચી ડીંગલ મચાવ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. બીજી તરફ આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ગતરાત્રે વેસ્ટ-ટુ-એનર્જી કંપનીમા મોટાપાયે માથાકૂટ સર્જાઈ હતી. જેમા સિકયુરિટી ગાર્ડે ટ્રક ડ્રાઇવરને ટ્રક પાછળ લેવાનું કહેતા ટ્રક ડ્રાઇવરે કોઈ કારણસર મનાઈ કરી હતી. ત્યારબાદ બને વચ્ચે બબાલ સર્જાઈ હતી. જેમા ડ્રાઇવર અને ક્લીન્ડરો પર સિક્યુરિટી ગાર્ડે પાઇપ, ધોકા અને ધારીયા વડે જાન લેવા હુમલો કર્યો હતો.જેમાં નયાજ અલી વાઘેર, સાજીદ રફિક જુણેજા અને જિલ્લાની કાસમ જોખિયા તથા આમંદ સલીમ ગજણ ને ગંભીર ઇજા થવા પામી હતી.
જેને લઈને તેઓને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ તથા જ પરિવારજનો તેમજ વિસ્તારવાસીઓ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા. મહત્વનું છે કે ડ્રાઇવરને માંથાના ભાગમાં પાઇપ લાગતા, તેની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત દારૂના નશામા સિકયુરિટી ગાર્ડ દ્વારા ટ્રકના કાચ પણ તોડી નાખવા આવ્યા હોવાની રાવ ઉઠી છે. આ ઘટનાની જાણ તથા જ સિટી-બી ડિવિઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.