(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.22
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા તા. 3 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી થવાની સંભાવના રહે છે. ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપિયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામાં દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષાના કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં તા. 30 એપ્રિલના રોજ સવારે 9થી સાંજના 4:30 સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાતા કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો તથા કરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે