◙ કાળાડીબાંગ વાદળો અને 25 કી.મી.ની ઝડપે તોફાની પવન: ચોમાસા જેવો ભારે વરસાદ વરસતા અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયાની હાલત: મૂશળધાર વરસાદથી લોકો રસ્તાઓમાં અધવચ્ચે અટવાયા
◙ ગઈસાંજે પણ અર્ધા રાજકોટમાં વરસાદ વરસ્યો હતો: ઉપલાકાંઠે કરા પડયા: ઈસ્ટ ઝોનમાં 8 મીમી તથા સેન્ટ્રલ ઝોનમાં 2 મીમી પાણી પડયું.
રાજકોટ, તા.22
કેટલાંક દિવસોથી હવામાન પલ્ટા તથા વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં આજે સતત બીજા દિવસે અષાઢી ચોમાસા જેવો વરસાદ ખાબકયો હતો. ગઈસાંજે જુના રાજકોટમાં કરા સાથે વરસાદ ત્રાટકયો હતો. કાળાડીબાંગ આકાશમાં વિજળીના કડાકા ભડાકા સાતે મૂશળધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી રેલાયા હતા.એટલુ જ નહિં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા જેવી હાલત થઈ હતી.
ચૈત્ર મહિનો સામાન્ય રીતે આકરા ઉનાળાનો હોય છે.પરંતુ આજે ચૈત્રનાં દિવસે જ રાજકોટનાં આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયા હતા અને સૂર્ય નારાયણ અદ્રશ્ય બન્યા હતા.બપોરે એકાએક ધોધમાર વરસાદ શરૂ થઈ જવા સાથે ઠંડક પ્રસરી ગઈ હતી. ધોધમાર વરસાદને કારણે માર્ગો પર રહેલા સેંકડો લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા અને ભીંજાયા બચવા માટે આશરો શોધવા દોડધામ કરી મુકી હતી.
એકાએક વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં મસાલા માર્કેટ જેવી બજારોનાં વેપારીઓને પણ માલ પલળતો રોકવા માટે દોડધામ કરવી પડી હતી. હવામાન ખાતા દ્વારા બે દિવસ માવઠા વરસવાની આગાહી કરી જ હતી. પરંતુ ચોમાસા જેવો ધમધોકાર વરસાદ વરસતા અને ઠેકઠેકાણે પાણી ભરાતા લોકો પણ આશ્ચર્યચકીત બન્યા હતા. રૈયાચોકડી, હનુમાન મઢી, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, સહીત મોટાભાગનાં વિસ્તારોના માર્ગોમાં પાણી ફેલાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સુત્રોએ કહ્યું કે, ગઈસાંજે પણ શહેરના અર્ધા ભાગોમાં વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને ઉપલાકાંઠામાં જોર હતું અને ભગવતીપરા જેવા ભાગોમાં કરા પડયા હતા. ગઈસાંજે મોરબી રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, રણછોડનગર, ત્રિકોણબાગ, સહીતનાં વિસ્તારોમાં પવન સાથે વરસાદ માપક યંત્રમાં તે નોંધાયો પણ હતો જે મુજબ ઈસ્ટ ઝોનમાં 8 મીમી તથા સેન્ટ્રલ ઝોનમાં બે મીમી પાણી વરસ્યુ હતું.
રાજકોટમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ
શહેરમાં બપોરે 2 થી ૩ કલાક વચ્ચે સવા ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. મનપાના સતાવાર આંકડા મુજબ એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૧ મીમી, ઇસ્ટ ઝોનમાં ૩૧ મીમી, અને વેસ્ટ ઝોનમાં ૩૨ મીમી વરસાદ નોંધાયો છે.
પરાબજાર પાણી...પાણી...
શહેરની મુખ્ય બજાર ગણાતી પરાબજારમાં આજે ધોધમાર વરસાદને પગલે પાણી વહી ગયા હતાં. ચૈત્રીમાસમાં અષાઢી માહોલ સર્જાતા વેપારીઓએ પોતાનો માલસામાલ જે બહાર રાખ્યો હોય તે ફટાફટ અંદર પોતાની દુકાનોમાં લઈ લીધો હતો. વરસાદ વરસતા જે બજાર ગ્રાહકોથી ઉભરાતી હતી તે ખાલીખમ થઈ ગઈ હતી.