જામનગર તા.22 જામનગર શહેરમાં મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીક સાયન્સ નોલેજ પાર્ક રાજ્ય સરકારના રૂ. 12.5 કરોડના ખર્ચે તૈયાર થશે. મહાનગર પાલિકા દ્રારા આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા માટે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના ગેઈટ નંબર પાંચ નજીક આવેલી બાલ્કનજીની બારી વાળી જગ્યામાં મહાનગર પાલિકા દ્રારા સાયન્સ નોલેજ પાર્ક બનાવવામાં આવશે.
આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા રાજય સરકાર તરફથી 12.5 કરોડની ગ્રાન્ટ મંજુર કરી દેવાઈ છે. જેમાં પ્રથમ તબક્કામાં અંદાજે રૂપિયા 8 કરોડના ખર્ચે બાંધકામ કરાશે. બીજા તબકકામાં અંદાજે રૂપિયા 4.5 કરોડના ખર્ચે ઈન્ટીરીયર, ફર્નીશીંગનુ કામ થશે. નોલેજ પાર્ક માટે કુલ 2739.59 ચોરસ મીટર જગ્યા ફાળવવામા આવી છે. જેમાંથી અંદાજે 2800 ચોરસ મીટરમાં બાંધકામ કરવાનુ આયોજન છે.
સાયન્સ મ્યુઝિયમ થી. નાના બાળકોને વિજ્ઞાન વિષયમાં રૂચિ વધે, તેમજ વિજ્ઞાનના વિધાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળશે. પ્રવાસીઓને પણ આકર્ષવા માટે વિવિધ વિષયને લગતા પ્રોજેકટ મ્યુઝિયમમાં મુકાશે. સાયન્સ નોલેજ પાર્કમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ અને બીજો માળ એમ બે માળની ઈમારતનુ બાંધકામ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં નીચેના ફલોરમાં પાર્કીંગ, 5ડી થિયેટર અને મીરર મેઝ બનવવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોરમાં વેઈટીંગ એરીયા, સાયન્સ ટેકનોલોજી હેરીટેઝ ગેલેરી, હુમન બાયો, એનીમલ લાઈફ, બી.ટી. લેબ, હોલ, લાઈબ્રેરી, સ્ટાફ એરીયા સહિતના વિભાગો બનશે. જેમાં લેબમાં વિજ્ઞાનના વિષયો પરની લેબ રાખવામાં આવશે.
આ મ્યુઝિયમનો હોલ કોઈ એકઝિબિશન કે અન્ય કાર્યકમો યોજી શકાય તે મુજબ તૈયાર કરાશે. પ્રથમ માળે એસ્ટ્રોલોજી લેબ, ફિઝીકસ લેબ, કેમેસ્ટ્રી લેબ, ગણિતની લેબ, ગેલેરી, ફુડ લેબ, ડિસપ્લે ગેલેરી તૈયાર કરાશે. તેમજ બીજા માળે વેઈટીંગ એરીયા, વર્કશોપ એરીયા, સેમીનાર હોલ, કાફે સહિતના વિભાગ રાખવામાં આવશે.. જે બાંધકામનુ કામ પૂર્ણ કરી આગામી બે વર્ષની અંદર સાયન્સ સિટી સ્થાનિક લોકો, મુલાકાતીઓ અને પ્રવાસીઓ માણી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની ગત બે ચૂંટણીમાં ભાજપ અને તેના શાસકો દ્વારા સાયન્સ નોલેજ પાર્કની લોલીપોપ આપવામાં આવતી હતી. વર્ષો પછી હવે સરકારમાં કટોરો ધરીને ગ્રાન્ટરૂપી ભીખ મેળવવામાં ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્ય તથા સંગઠ્ઠન પાંખના આગેવાનો સફળતા મેળવી પોતાની પીઠ થપથપાવી રહ્યા છે.