સુરત, તા.22 : સોશ્યલ મીડિયાના અતિરેકને કારણે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ મુશ્કેલીમાં મુકાવું પડી રહ્યું છે. આવો જ એક કિસ્સો ફરી બની જવા પામ્યો છે. સુરતમાં બેઠા બેઠા એક યુવાને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
જો કે બિહાર પોલીસે કરેલી તપાસમાં ધમકી આપનાર શખ્સ સુરતમાં રહેતો હોવાનું ખુલતા જ સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક યુવકની ધરપકડ કરી તેનો કબજો બિહાર પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલા અંકિતકુમાર વિનયકુમાર મિશ્રાએ ગત તા.20 માર્ચે ઈન્ટરનેટના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને 36 કલાકની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
આ ધમકી મળતાં જ પટણા જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ધમકી આપનાર અંકિતકુમાર મિશ્રા સુરતમાં રહેતો હોવાનું ધ્યાન પર આવતાં સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાંથી અંકિતને પકડી લીધો છે. પ્રારંભીક પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે અંકિત સુરતમાં છેલ્લા છ વર્ષથી રહેતો હોવાનું અને લુમ્સમાં મજૂરી કામ કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. અંકિતે ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકિતે 20 માર્ચે ઈન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું કે ધમકીની વાત સામે આવતાં જ પટણા જિલ્લાની સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમે સુરત શહેર પોલીસની મદદ માંગી હતી જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લીધો છે.
અંકિત મિશ્રાએ ગૂગલમાં ઘણા બધા નંબરો સર્ચ કર્યા હોવાથી તેનો અને તેના મોબાઈલનો કબજો બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે. બિહાર પોલીસે અંકિત મિશ્રાનો કબજો લઈને તેને બિહાર લઈ જ્યાં તેણે આ પ્રકારની ધમકી શા માટે આપી તે સહિતના મુદ્દે ગહન તપાસ કરવામાં આવશે.