► રોહિત પલટનની સુવર્ણ સફરનો આવ્યો અંત: ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિન્ડિઝ, ઈંગ્લેન્ડ, આફ્રિકા, લંકા જેવી ટીમોને હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ જ ઘરમાં આવીને આપ્યો પરાજય: ટેસ્ટ શ્રેણીની હારનો બદલો કાંગારૂઓએ વન-ડે શ્રેણી જીતીને પૂર્ણ કર્યો
ચેન્નાઈ, તા.23 : ઑસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાના વિજય રથને આખરે અટકાવી દીધો છે. સળંગ સાત ઘરેલું શ્રેણી જીત્યા બાદ અંતે ટીમે ઘરઆંગણે શ્રેણી પરાજય ખમવો પડ્યો છે. આ સાથે જ ભારતે ઑસ્ટ્રેલિયા સામે શ્રેણીની સાથે સાથે વન-ડેમાં નંબર વનનો તાજ પણ ગુમાવ્યો છે. ટીમ છેલ્લા ચાર વર્ષથી ભારતમાં ‘અજેય’ હતી તે સિલસિલો પણ તૂટી ગયો છે. ત્રણ મેચની વન-ડે શ્રેણીના અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં હાર થતાંની સાથે જ રોહિતની પલટનની સ્વર્ણિમ સફરનો અંત આવ્યો છે.
મુંબઈ વન-ડે જીત્યા બાદ વિશાખાપટ્ટનમમાં ઑસ્ટ્રેલિયાએ પલટવાર કર્યા તો ચેન્નાઈમાં પણ જીત મેળવી શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. ઑસ્ટ્રેલિયાએ ચેન્નાઈ વન-ડેમાં ટોસ જીતીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત છતાં 21 રનથી મેચ અને શ્રેણી ગુમાવી દીધા છે. ભારત વતી વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રન બનાવ્યા તો ઑસ્ટ્રેલિયા વતી એડમ ઝેમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ ખેડવી હતી.
આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડને વન-ડે શ્રેણીમાં હરાવીને ભારતે ઘરેલું સિરીઝ ઉપર સળંગ સાતવી વખત કબજો કર્યો હતો. આ સાત શ્રેણીમાં ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા જેવી ટીમોને ટીમે હરાવી હતી. વર્ષ 2023ની શરૂઆત ભારતીય ટીમે શ્રીલંકાનેે ટી-20 શ્રેણીમાં હરાવીને કરી હતી. ટીમે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2019માં ઘરેલું શ્રેણી 2-1થી જીતી હતી. ત્યારબાદ ઘરમાં જ 2020માં ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. 2021માં ટીમે ઈંગ્લેન્ડને 2-1થી પરાજિત કર્યું હતું તો વર્ષ 2022માં ફરીથી વેસ્ટ ઈન્ડિઝને 3-0થી પરાજય આપ્યો હતો.
જ્યારે આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીમાં 2-1થી જીત હાંસલ કરી હતી. ચેન્નાઈ વન-ડેની વાત કરવામાં આવે તો 270 રનના લક્ષ્યાંકના જવાબમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગુલે 65 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલી અને રાહુલે બાજી આગળ ધપાવી હતી. જો કે આ ચારેયના આઉટ થયા બાદ હાર્દિક-રવીન્દ્ર ક્રિઝ પર જામી જતાં ભારત જીતી જશે તેવું લાગતું હતું પરંતુ અણીના સમયે બન્નેએ પોતાની વિકેટ ગુમાવી દેતા ભારતે પરાજયનું મોઢું જોવું પડ્યું છે.
મજાક કે બીજું કંઈ ? કોહલી-સ્ટોઈનિસ બાખડી પડતાં ગરમાવો
વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ વચ્ચે એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ભારતની 21મી ઓવર ઑસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસ ફેંકી રહ્યો હતો. આવામાં જ્યારે સ્ટોઈનિસ ઓવરની ત્રીજો બોલ ફેંકી ચોથા બોલ માટે રનઅપ પર જઈ રહ્યો હતો તે દરમિયાન કોહલીએ પોતાના ખભાથી સ્ટોઈનિસને જોરદાર ટક્કર મારી હતી. આ ધક્કો એટલો જોરદાર હતો કે સ્ટોઈનિસ હલબલી ગયો હતો. આવું બન્યા બાદ એવા કયાસો લાગવાનું શરૂ થઈ ગયું છે કે આખરે બન્ને વચ્ચે મજાક મજાકમાં આવું બન્યું હશે કે પછી સાચે જ બાખડ્યા હશે ?
સાપ-શ્વાન બાદ હવે સમડીએ ચાલું મેચે ગ્રાઉન્ડમાં કર્યો ‘શિકાર’
ચેન્નાઈ વન-ડેમાં ટીમ ઈન્ડિયા જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે 42મી ઓવરમાં એક એવી ઘટના બની જેના કારણે રમતને થોડીવાર માટે અટકાવવી પડી હતી. આ વેળાએ અચાનક જ એક સમીડી ઉડીને મેદાન પર એક કીડાનો શિકાર કરવા આવી પહોંચી હતી. આ દરમિયાન સમડીએ ક્ષણભરમાં શિકારને પકડી લીધો પરંતુ તેના કારણે રમત અટકી ગઈ હતી કેમ કે લાઈવ મેચમાં ખેલાડીઓનું ધ્યાન ભટકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.