IPLમાં ટૉસ બાદ પસંદ કરાશે પ્લેઈંગ ઈલેવન: 75 મિનિટમાં 20 ઓવર પૂર્ણ કરવી પડશે: ખોટી હલચલ કરનાર દંડાશે

23 March 2023 11:07 AM
Sports
  • IPLમાં ટૉસ બાદ પસંદ કરાશે પ્લેઈંગ ઈલેવન: 75 મિનિટમાં 20 ઓવર પૂર્ણ કરવી પડશે: ખોટી હલચલ કરનાર દંડાશે

નવી સીઝનથી નવા નિયમો લાગુ કરાયા: ટૉસનો પ્રભાવ ખતમ થવાની અણીએ

મુંબઈ, તા.23 : આઈપીએલની નવી સીઝનને શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 31 માર્ચથી 10 ટીમો વચ્ચે મુકાબલા શરૂ થઈ રહ્યા છે. સાથે જ આ વખતે નવા નિયમો પણ જોવા મળશે. દરેક ટીમ હવે ટૉસમાં બેટિંગ અથવા બોલિંગનો નિર્ણય કર્યા બાદ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી શકશે. ટૉસ બાદ જ ટીમોએ ચાર ઈમ્પેક્ટ પ્લેયર બતાવવાના રહેશે. આઈપીએલ મેચમાં બન્ને ટીમના કેપ્ટન હવેટોસ દરમિયાન બે ટીમ લઈને આવી શકશે. ટોસ બાદ જ્યારે તેને ખબર પડશે કે પહેલાં બેટિંગ અથવા બોલિંગ આવી છે

ત્યારે તે હિસાબથી પ્લેઈંગ ઈલેવન પસંદ કરી શકશે. આ પહેલાં 15 સીઝન સુધી ટીમો ટોસ દરમિયાન એક જ પ્લેઈંગ ઈલેવન લઈને આવતી હતી. ટોસ થયા બાદ તેણે એ જ ટીમ સાથે રમવું પડતું હતું પરંતુ હવે આવું નહીં થાય. આઈપીએલમાં આ સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ પણ જોડાઈ રહ્યો છે. બન્ને ટીમો ટોસ થયા બાદ ચાર-ચાર ઈમ્પેક્ટ પ્લેયર જાહેર કરશે. આ ચાર ખેલાડીમાંથી કોઈ એક ખેલાડીને મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીની જગ્યાએ રમાડવામાં આવશે.

મેચમાં બન્ને ઈનિંગ દરમિયાન 14 ઓવર સુધી ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરી ખેલાડીને બદલાવી શકાશે. એક ટીમ મેચ દરમિયાન માત્ર એકવાર ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે. આઈપીએલમાં ટોસ બાદ ટીમ જાહેર કરવાનો નવો નિયમ સાઉથ આફ્રિકાની ટી-20 લીગ એસએ20ની જેમ જ છે. ત્યાં જ સૌથી પહેલાં આ નિયમ લાગુ કરાયો હતો. એ નિયમમાં બન્ને ટીમના કેપ્ટનોને ટોસ પહેલાં 13 ખેલાડી જણાવવાના હતા અને ટોસ બાદ બેટિંગ અથવા બોલિંગ આવ્યા બાદ કેપ્ટન કોઈ બે ખેલાડીને હટાવી શકતો હતો. આ નિયમથી ટોસની અસર લગભગ ખતમ થઈ છે.

ટૂર્નામેન્ટના 33માંથી 16 મેચ ટોસ હારનારી ટીમોએ 15 મેચ ટોસ જીતનારી ટીમોએ જીત્યા હતા. જ્યારે બે મેચ અનિર્ણિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય નિયમો પણ લાગુ કરાયા છે જેમાં 20 ઓવર પૂર્ણ કરવા માટે 75 મિનિટ આપવામાં આવશે. આ ટાઈમમાં ઓવર નહીં કરવા પર જેટલી ઓવર બાકી રહેશે એટલી ઓવર માટે પાંચની જગ્યાએ ચાર ફિલ્ડર્સ જ 30 યાર્ડ સર્કલની બહાર રહી શકશે. બોલિંગ દરમિયાન વિકેટકિપર કે ફિલ્ડર ખોટી રીતે મૂવમેન્ટ કરે છે તો બોલને ડેડ બોલ જાહેર કરી ફિલ્ડિંગ ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવાશે.


Related News

Advertisement
Advertisement