નવીદિલ્હી, તા.23 : હરયિાણાના સરબજોત સિંહે આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડકપ-2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રમાઈ રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં 10 મીટર એર પિસ્ટલ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ધીન ગામના રહેવાસી એવા ખેડૂતપુત્ર સરબજોતે અરિંબૈઝાનના રુસ્લાન લુનેવને 16-0થી હરાવ્યો છે.
વર્લ્ડકપના ગોલ્ડ મેડલ મુકાબલામાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે કોઈ હરિફ ખેલાડીને બ્લેકઆઉટ કરાયો હોય. બ્લેકઆઉટ મતલબ કે સરબજોતે વિપક્ષ વિરુદ્ધ 16-0થી ક્લિન સ્વિપ કર્યું હતું. તેણે વિપક્ષી ખેલાડીને એક પણ પોઈન્ટ લેવા દીધો નહોતો. વર્લ્ડકપ-2023માં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જ્યારે ભારતના વરુણ તોમરે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. તેણે ક્વોલિફિકેશન સિરીઝમાં 98, 97, 99, 97, 97, 97નો સ્કોર કર્યો છે. ક્વોલિફિકેશન સિરીઝમાં ચીનના લિયુ જિનયાઓ 584ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો હતો.
ફાઈનલ રાઉન્ડમાં સરબજોતે 253.2 અને રુસ્લાને 251.9 પોઈન્ટ હાંસલ કર્યા હતા. વરુણ 250.3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. જો કે છ અન્ય શૂટરમાં કોઈ પણ ઓલિમ્પિયન ખેલાડી નહોતો. સ્વિત્ઝરલેન્ડના જેસન સોલારી જ એકમાત્ર એવો ખેલાડી હતો જેણે વર્ષ 2018 યૂઝ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.