રાજકોટ,તા.23
બેડીનાકા મેઈન રોડ પર હાટકેશ્ર્વર મંદિર પાસે રહેતા વેપારી કલ્પેશભાઈ શરદચંદ્ર મહેતા (ઉ.વ.41) ની ભાડે આપેલી બેડીપરામાં આવેલી દુકાન આરોપી રાજેશ નારણભાઈ વિરમીયા(રહે, ખડકીનાકા ચોક, બેડીપરા)એ પચાવી પાડતા એ-ડીવીઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા રહેણાક મકાનના નીચેના ભાગે બે શટર વાળી એક દુકાન આવેલી છે.આ બે માળના બીલ્ડીંગના માલીક મારા દાદીમા સ્વ.સમજુબેન સોમચંદભાઇ મહેતા હતા અને તેઓ અવશાન પામતા એમના વસીયત નામાના આધારે આ મીલકતના માલીક મારા પિતા શરદચંદ્ર સોમચંદ મહેતા બન્યા હતા અને મારા પિતા 1998 માં અવશાન પામેલ હતા અને ત્યારબાદ મીલકતના માલીક અમે છીએ અને આ મીલકત અમારા નામે વારસાઇ એન્ટ્રી પડાવવા માટે મામલતદાર કચેરી ખાતે અમારી તજવીજ ચાલુ હતી.
મારી માલીકીની દુકાન મીલકત જે હાટકેશ્ર્વર ચોક બેડીનાકા વિસ્તારમાં આવેલ નટવર સ્ટોર તરીકે ઓળખાતી વાણિજય મીલકત જે હાલ આશાપુરા ડેરી/ફરસાણ ની આવેલ છે. જેની કિ.રૂ 10,00,000 ની છે.જે દુકાન મેં સને 2015 થી આરોપી રાજેશભાઇ નારણભાઇ વિરમીયાને ત્રણ વર્ષ માટે ભાડા કરારથી ભાડે આપી હતી.જે નોટરાઇઝ ભાડા કરાર રજુ કરૂ છુ અને સને 2017માં ભાડા કરાર પૂર્ણ થતા નવું ભાડા કરાર કરવુ જરુરી હતું અને ભાડુઆતની સમય મર્યાદા પુર્ણ થતી હતી.જેથી આરોપી રાજેશભાઇ ને જણાવ્યું કે તમે દુકાન ભાડે રાખવા માગતા હોય તો નવો ભાડા કરાર કરી આપો અથવા તો દુકાન મારી માલીકીની હોય જેથી દુકાન મને પરત આપી દયો. જેથી તેઓએ મને જણાવેલ એક બે દીવસમા હું નવો ભાડા કરાર કરી આપીશ.પરંતુ આરોપી રાજેશભાઇએ નવો ભાડા કરાર કર્યો નહી અને 2018 થી મને આ દુકાનની કોઇ પણ જાતની ભાડાની 2કમ આપી નથી.રાજેશ દુકાનનો કબજો આપતા ન હોય કે ભાડુ પણ આપતા ન હોય કે નવો ભાડા કરાર કરી આપતા ન હોય તેનું આજદીવસ સુધીનુ નહી ચુકવેલ ભાડુ રૂ.1,92,000 તેમજ દુકાન કિ.રૂ 10,00,000 ની પચાવી પાડતા કલેકટરમાં અરજી કર્યા બાદ ત્યાંથી પોલીસમાં ગુન્હો નોંધવા આદેશ આપતા એ ડિવિઝન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.