ભાવનગરમાં 98 બોટલ સાથે રીક્ષા ચાલક શખ્સ ઝડપાઇ ગયો

23 March 2023 12:36 PM
Bhavnagar Crime
  • ભાવનગરમાં 98 બોટલ સાથે રીક્ષા ચાલક શખ્સ ઝડપાઇ ગયો

જિલ્લાનાં મીઠી વિરડીની સીમમાંથી પણ 31 બોટલ દારૂ પકડાયો

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.23
ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલ લાદીલાના નાળા નજીકથી એલ.સી.બી.એ વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી ગઈ દારૂના જથ્થાની હેરાફેરી કરનાર ચાર ઇસમો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.


એલ.સી.બી. પોલીસ કાફલો આજે રહેલી સવારે ચાર વાગ્યા આસપાસ શહેરના દેસાઈનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ફિરોજ અહેમદભાઈ મકવાણા, ઇમરાન અહેમદભાઈ મકવાણા અને અસલમ એહમદભાઈ મકવાણા હાદાનગરમાં આવેલ સત્યનારાયણ સોસાયટી પાસેના વાદીલાના નાળા નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલ.સી.બી.એ વાદીલાના નાળા પાસે પાર્ક કરેલી રીક્ષા નં. જી.જે., 24- વાય 4319 માં તપાસ કરતા રીક્ષાની પાછળની સીટમાં અસલમ અહેમદભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો તેની પાસે કંતાનના થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 98 બોટલ મળી આવી હતી.


એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂની 98 બોટલ, એક મોબાઈલ તેમજ રીક્ષા મળી કુલ રૂ. 84,400 નો મુદ્દામાલ કબજે કરી અસલમ મકવાણા ઉપરાંત ફિરોજ ઉર્ફે લાલો અહેમદભાઈ મકવાણા, ઇમરાન અહેમદભાઈ મકવાણા અને અજાણ્યા રિક્ષાના ચાલક વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. તેમજ ભાવનગર જિલ્લાના અલંગ તાબેના મીઠીવીરડી ગામમાં આવેલ વાડીમાંથી અલંગ પોલીસે વિદેશી દારૂની 31 બોટલ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


અલંગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મીઠીવીરડી ગામની સીમમાં આવેલ વિક્રમભાઈ ફાફાભાઈ ડાભીની વાડીમાં દરોડો પાડી વાડીમાં રાખેલ બાજરીની કડબના જથ્થામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 31 બોટલ કિં. રૂ.15,665 કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement