મોરબીમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા દોડધામ: 773 અરજી મળી

23 March 2023 01:37 PM
Morbi
  • મોરબીમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા દોડધામ: 773 અરજી મળી

ઇમ્પેક્ટ યોજનાની મુદ્દત વધતા હજુ ઢગલો થશે: પાલિકા ફાયરતંત્ર પાસે ત્રણ માળથી ઉપર બચાવના સાધનો નથી ત્યારે અનઅધિકૃત ઇમારતો કાયદેસર કરવી કેટલી સલામત?

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી શહેરના દરેક વોર્ડ વિસ્તારમાં આડેધડ કોઈપણ પ્રકારની મંજૂરી વગર છેલ્લા વર્ષોમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા હાલમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો ફરી અમલમાં મૂકવામાં આવ્યો છે અને તેની મુદતમાં ચાર મહિનાનો વધારો કરવામાં આવ્યો છે દરમિયાન મોરબી નગરપાલિકામાં છેલ્લા એક મહિનામાં ઇમ્પેક્ટ ફીની ઓફલાઈન 773 જેટલી અરજીઓ આવેલ છે અને હજુ આગામી દિવસોમાં અરજીમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

શહેરી વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થાય તેના માટે થઈને બાંધકામ મંજૂરી મેળવ્યા પછી બાંધકામ કરવાનો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે પરંતુ સરકારના નિયમને નેવે મૂકીને અનેક બિલ્ડરો તેમજ રાજકીય વગ ધરાવતા આસામીઓ દ્વારા આડેધડ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં શહેરી વિસ્તારની અંદર કોંકરેટના જંગલ ખડકાઈ ગયા છે જેની સામે સરકારની તિજોરીમાં આવકના નામે કશું જ નથી ત્યારે સરકારી તિજોરીમાં આવક થાય તે માટે સરકારે અગાઉ ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો

ત્યારે અનેક ગેરકાયદેસર બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઇમ્પેક્ટ ફીની ઓનલાઇન અરજીઓ કરવાની હતી અને તે સમયગાળા દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાં નહિવત અરજીઓ આવી હતી પરંતુ હાલમાં ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલર કરવા માટે ઓફ લાઇન અરજીઓ લેવામાં આવી રહી છે ત્યારે અરજીનો ઢગલો થયો હોવાની માહિતી મળી રહી છે.

પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સરકાર દ્વારા 1/10/2022 પહેલાં જે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે તેને રેગ્યુલરાઈઝ કરવા માટે થઈને હાલમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે અગાઉ તેની જે છેલ્લી મુદત હતી તે સમયગાળો વીતી ગયા બાદ સરકારે 17 ફેબ્રુઆરીથી ચાર મહિના સુધીનો અરજી કરવા માટેનો સમયમાં વધારો કરેલ છે અને 17 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં 773 જેટલી ઇમ્પેક્ટ ફીની ઓફલાઈન અરજીઓ કરવામાં આવેલ છે અને તેનો નિયમ પ્રમાણે નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે

જોકે હજુ ત્રણ મહિના સુધી આ ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં હોય આગામી દિવસોમાં મોરબી શહેરના 13 વોર્ડમાં ખડકાઈ ગયેલ ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલર કરવા માટે થઈને વધુ અરજીઓ નગરપાલિકામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી. આજની તારીખે પણ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર બહુમાળી બાંધકામો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે જોકે બહુમાળી બાંધકામોમાં ફાયરની સેફટીને ધ્યાને લેવામાં આવતી નથી અને મોરબી નગરપાલિકા પાસે ત્રણ માળથી વધુ ઊંચાઈએ કામ કરી શકે તેવી ફાયરની કોઈ મશીનરી નથી આવા સંજોગોમાં પણ ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલર કરવામાં આવી રહ્યા છે તે ભવિષ્યમાં મોરબીના લોકો માટે ચિંતા નો વિષય બને તેમ છે.


Advertisement
Advertisement