(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23 : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી ગત સાતમ આઠમ સમયે ઘરે હતી ત્યારે તેણીના કૌટુંબિક ભાઈએ તેણીની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી આચરી હતી અને જેના લીધે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.જોકે પેટમાં દુખાવો ઉપડતા માતા સાથે દવાખાને જતા સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું..! અને બાદમાં પરિવારે તેણીને વિશ્વાસમાં લઈને પુછરરછ કરતા કૌટુંબિક ભાઈએ જ તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે "સંબંધ" બાંધ્યો હોવાની હકીકત વર્ણવતા હાલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવાતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા
આ અંગે બળાત્કાર અને પોક્સો એકટની હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને પેટમાં દુખાવો થતાં તેણી તેની માતાની સાથે દવાખાને ગઈ હતી અને દરમિયાનમાં ત્યાં તપાસ કરવામાં આવતા ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું અને સાત માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.જેથી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ઘરે આવીને સગીરાને વિશ્વાસમાં લઈને તેણીની પૂછપરછ કરવામાં આવતા સગીરાએ આપવીતી સંભળાવી હતી અને તેમાં તેણીએ જણાવ્યું હતું કે,
ગત ઓગસ્ટ માસમાં સાતમ-આઠમના સમયે તેઓના ઘેર તેમનો કૌટુંબિક ભાઈ આવ્યો હતો અને રાત્રિ દરમિયાન તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે "સંબંધ" બાંધ્યો હતો અને બાદમાં હવે તેણીને પેટમાં દુખાવો થવા લાગતાં દવાખાને તપાસ કરવામાં આવી હતી અને મેડીકલ તપાસમાં સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવવામાં આવતા પીઆઇ દેકાવાડીયા દ્વારા કલમ 376(2)(જે), 276(3) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ મૂળ મોરબી હાલ ગાંધીધામ (કચ્છ) રહેતા શખ્સની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મારામારીમાં ઈજા તથા સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ નામના 55 વર્ષીય આધેડને મોરબીના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલની પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોડીરાત્રીના બારેક વાગ્યે સિવિલે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા
બાદ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમજ મૂળ રાજસ્થાનના અલવાર જિલ્લાના રહેવાસી હજારીભાઈ ખયાલીરામ મેડા નામના 40 વર્ષીય યુવાનને મોરબીના વેન્ટેજ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા મારામારીના આ બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.