(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં માર્ચ મહિના સુધીમાં આગામી વર્ષ માટેનું બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે અને એવી જ રીતે મોરબી નગરપાલિકામાં વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવા માટે તા.28 ના રોજ બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં અન્ય કોઈ એજન્ડા લેવામાં આવ્યા ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. મોરબી નગરપાલિકામાં વર્ષ 2022-23 નું જે બજેટ સર્વાનુમતે પાલિકાના ચૂંટાયેલા ભાજપના બાવન સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું
તે બજેટના પ્રોસિડિંગને અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં મળેલ બે જનરલ બોર્ડની અંદર મૂકવામાં આવેલ છે જો કે, પ્રથમ વખત તે એજન્ડાને સર્વાનુમતે બોર્ડમાં નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારી પાસે જઈને ખાનગીમાં તે એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લે મળેલા જનરલમાં પણ આ એજન્ડાને લેવામાં આવ્યો હતો જોકે તેમાં પણ પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા તે બજેટના પ્રોસિડિંગને બહાલી આપી નથી અને તેને પેન્ડિંગ રાખવામાં આવેલ છે. એટલે કે વર્ષ 2022-23 દરમિયાન જે બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું
તેના બજેટના પ્રોસિડિંગને હજુ સુધી પાલિકાના જનરલ બોર્ડમાં બહાલી આપવામાં આવી નથી અને આગામી તા. 28 ના રોજ મોરબી નગરપાલિકાના વર્ષ 2023-24 ના બજેટ માટે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવેલ છે અને તેમાં બજેટ સિવાય અન્ય કોઈ એજન્ડા લેવામાં આવ્યા નથી. તેવું જાણવા મળી રહ્યું છે. જો કે, અત્યાર સુધી મોરબીના લોકોને રિવર ફ્રન્ટ, સાઇકલ ટ્રેક સહિતના ઘણા હથેળીમાં ચાંદ દેખાડવામાં આવ્યા છે તે પ્રકારની કોઈ યોજના આગામી સમયમાં સાકાર કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે અને આ બજેટમાં મોરબીના લોકોને કશું નવું મળશે કે કેમ તે તો આગામી સ અમાયા જ બતાવશે.