મોરબીમાં મિત્રએ કરાવેલા જલ્સાનો ખર્ચ કાઢવા યુવાન વ્યાજ ચક્રમાં ફસાયો

23 March 2023 01:42 PM
Morbi
  • મોરબીમાં મિત્રએ કરાવેલા જલ્સાનો ખર્ચ કાઢવા યુવાન વ્યાજ ચક્રમાં ફસાયો

7000 રૂપિયાથી શરૂ થયેલું ચક્ર 1.85 લાખે પહોંચ્યું: રૂપિયા પરત કરવા છતાં ઉઘરાણી: ચાર શખ્સો સામે ફરિયાદ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી શહેરમાં રહેતા પરિવારો માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવ્યો છે જેમાં યુવાને તેના મિત્ર સાથે હરવા ફરવા અને ખાવા પીવાની મોજ કરવામાં જે રૂપિયા ખર્ચ કર્યા હતા તે 7000 તેની પાસેથી એકી સાથે માંગ્યા હતા જેથી કરીને યુવાને વ્યાજે પૈસા લીધા હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો છે અને આજની તારીખે ફરિયાદી યુવાને કુલ મળીને ચાર વ્યક્તિઓ પાસેથી જે પૈસા લીધા હતા તેના કરતાં વધુ પૈસા પરત કરી દીધા છે

તેમ છતાં પણ વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટી આમ ગણીને તેની પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-303 માં રહેતો અને ટાઇલ્સ કટીંગના કારખાનામાં ભાગીદાર ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા પટેલ (19) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રિન્સ જાલરીયા મૂળ. લૂંટાવદર, અભિષેકભાઈ સોઢીયા રહે. વાવડી, રાકેશ બોરીચા અને ચેતન સામતભાઈ જેઠા રહે. વાવડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે

કે મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં તેનો મિત્ર સાવન રાજપરા રહે છે જે તેને અવારનવાર હરવા ફરવા તથા જમવા માટે સાથે લઈ જતો હતો અને તમામ ખર્ચ જે તે સમયે સાવન આપતો હતો અને પાંચેક મહિના પહેલા સાવને તેની પાસેથી તેની પાછળ કરેલ ખર્ચા પૈકીના 7000 રૂપિયા માંગ્યા હતા અને ત્યારે તે યુવાને તેનો પગાર આવશે એટલે આપી દેશે કહેવું કહ્યું હતું જો કે, સાવને તાત્કાલિક તે રૂપિયા તેને આપવા માટે કહ્યું હતું જેથી ભરતભાઈ ઘોડાસરાએ જે તે સમયે પ્રિન્સ ઝાલરીયા જે તેનો સ્કૂલનો મિત્ર હતો તેની પાસે રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયાએ તેને રોકડા 10000 રૂપિયા રોજના 100 વ્યાજ લેખે 15 દિવસમાં પાછા આપવાનું કહીને આપ્યા હતા અને જો પૈસા પાછા ન આપે તો પેનલ્ટી આપવી પડશે તેવું કહ્યું હતું.

ફરિયાદી યુવાને સમયસર પૈસાની વ્યવસ્થા ન થતા પ્રિન્સ ઝાલરીયા પાસેથી લીધેલા પૈસા ચૂકવ્યા ન હતા જેથી કરીને તેણે પૈસાની ઉઘરાણી કરતા તેના મિત્ર સર્કલમાંથી ઉછીના પૈસા લઈને તેણે પ્રિન્સ ઝાલરીયાને વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટીની રકમ કરીને 25000 રૂપિયા પાછા આપી દીધા હતા જોકે, ત્યારબાદ સમયસર પગાર કે ધંધામાં નફો મળેલ ન હોવાથી જે લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા તેને પૈસા ચૂકવવા માટે તેણે ફરી પાછા પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયા પાસેથી 30000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તે 30 હજાર રૂપિયાની સામે તેણે વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટી ગણીને પોતાના ગૂગલ પેમેન્ટમાંથી 3,15,725 અને તેના પિતાના આઇડીબીયાઈ બેન્કના એકાઉન્ટમાંથી ગુગલ પે ટ્રાન્ઝેકશન કરી એક લાખ રૂપિયા ચૂકવી દીધા છે

તેમ છતાં પણ આ બંને શખ્સો દ્વારા તેની પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી ધમકી આપવામાં આવે છે આટલું જ નહીં પરંતુ તે યુવાનના ભાઈનો ફોટો વ્હોટ્સએપમાં મૂકીને તેને ઉપાડી લેવાની ધમકી આ બંને શખ્સો દ્વારા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફરિયાદી યુવાને તેની સાથે અભ્યાસ કરતા રાકેશ બોરીચા પાસેથી ચારેક મહિના પહેલા 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને દર 10 દિવસે સાત હજાર રૂપિયા વ્યાજ આપવાની શરત રાખવામાં આવી હતી આજ દિવસ સુધીમાં રોકડા 70 હજાર રૂપિયા તથા ઓનલાઈન ગૂગલ પે ટ્રાન્ઝેકશનથી 26800 રાકેશ બોરીચાને આપી દીધા છે તેમ છતાં પણ રાકેશ બોરીચા દ્વારા ફરિયાદી યુવાન પાસેથી મુદ્દલ અને વ્યાજની રકમની ફોન ઉપર અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

તેવી જ રીતે મોરબીના વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા ચેતન સામતભાઈ જેઠા જે આરોપી રાકેશ બોરીચાનો મિત્ર છે તેની પાસેથી 1.85 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તે પૈકીના 55 હજાર રૂપિયા ઓફલાઈન ટ્રાન્જેક્શનથી અને બાકીના રૂપિયા અલગ અલગ જગ્યાએ આપેલ છે જે રૂપિયાનું દર 10 દિવસે 19000 રૂપિયા વ્યાજ આપતો હતો અને તેણે ઓનલાઈન ટ્રાન્જેક્શનથી 1,18,700 તથા તેના પિતાના ખાતામાંથી 1,65,000 ચૂકવી દીધેલ છે તેમ છતાં ફરિયાદીના મિત્ર હિત સવસાણીની સ્વિફ્ટ કાર નં જીજે 1 આરબી 5552 જે ફરિયાદી યુવાન પાસે હતી તે કાર તેની પાસેથી આરોપી લઈ ગયેલ છે અને હાલમાં પણ તે કાર ચેતનભાઈ પાસે જ છે અને અવારનવાર ચેતનભાઇ ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરી અને સમયસર પૈસા નહીં આપે તો સારા વાટ રહેશે નહીં તેવી ધમકી આપે છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Advertisement
Advertisement