રાજકોટ, તા.23 : જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેતા આરોપીઓના ત્રાસથી કંટાળેલા નવાગઢના એક યુવાને ફીનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરતાં તેમને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયો હતો. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. સ્યુસાઇડ નોટમાં વણકર વાસમાં રહેતા ઉદય પ્રભુદાસ સોલંકીએ સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, તે હાલ બજાજ ફાઇનાન્સમાં કલેક્શન કરવાની નોકરી કરે છે. જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેત સુમિત દોશી નામના યુવાનના પિતા બીમાર હતા ત્યારે છૂટક છૂટક પૈસાની સુમિતને મદદ કરી હતી.
આ પૈસાની માંગણી કરતાં સુમિતે ગત તા.13.3.2023ના રોજ આરટીજીએસ દ્વારા પરત આપી દીધા હતા. આ પૈસા ઉપાડીને લગ્ન સમયે મારા સગા સંબંધી પાસેથી લીધા હતા એ લોકોને પરત આપેલ છે. પણ સુમિતએ મારા પર છેતરપિંડીનો આરોપ લગાવી મારી પાસે પૈસા પડાવી લેવા હતા એટલે મારા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં અરજી કરેલ છે. મને આ વાતની જાણ થતા મેં સુમિત વિરુદ્ધ તા. 13. 3. 2023 ના રોજ રાજકોટ એસપી કચેરી અને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલ છે. તો પણ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી. મને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી તા.20. 3. 2023ના રોજ સાંજના સમયે ફોન આવેલો ત્યારે રૂબરૂ પણ જઈ આવેલો હતો ત્યારે મને એવું કહેવામાં આવેલું કે તું તારી અરજી ખોટી હોવાથી પાછી ખેંચી લે. મારી અરજી કરેલી હતી
એની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. સુમિતે મારા પછી અરજી કરેલી હતી તો પણ એની અરજી પર કાર્યવાહી કરવામાં આવેલ છે.ઉદયે એવું પણ લખ્યું છે કે મને રસ્તામાં બાઈક પર સ્મિત, કિશન અને એના ભાઈબંધ હવે ધમકી આપે કે આ..લખી ન શકાય તેવા જ્ઞાતિ વિરુદ્ધનો શબ્દ બોલીને ઉપાડી લેવાનો છે. આ લુખો પૈસા ન આપે તો અને એનો ભાઈબંધ મોહન મારા ફ્રેન્ડને ફોન કરીને પણ કીધું હતું કે ઉદયને કે પૈસા આપી દે. આ બધાના ત્રાસથી હું કંટાળી ગયો છું. મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.