સુરત તા.23 : 2019ની લોકસભા ચૂંટણી સમયે મોદી અટક અંગે કરેલા વિધાનો બદલ આજે સુરતની ટ્રાયલકોર્ટે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને તેમને બે વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી. જો કે તુર્તજ સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની આ સજા 30 દિવસ માટે મોકુફ રાખી છે અને રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. આ ચૂકાદાને પગલે કોંગ્રેસ પક્ષમાં સન્નાટો વ્યાપી ગયો છે.
ચૂકાદા સમયે રાહુલ ગાંધી અદાલતમાં હાજર હતા અને તેમની સજાની જાહેરાત થયા બાદ તુર્ત જ રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીઓએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલની સજા સામે સ્ટે માંગ્યો હતો. સેશન્સ કોર્ટે રાહુલને રૂા.10 હજારના વ્યક્તિગત બોન્ડ પર જામીન મુક્ત કર્યા હતા અને બાદમાં તેઓને સજા સામે અપીલ કરવા માટે ચુકાદો આપવા 30 દિવસનો સ્ટે આપ્યો છે અને હવે આ કેસ સેશન્સ કોર્ટમાં લડાશે તેવા સંકેત છે. 2019ની લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકમાં કોલારમાં એક રેલીને સંબોધીત કરતા સમયે રાહુલ ગાંધીએ એવું વિધાન કર્યુ હતું કે કેવા કેવા ચોરની અટક મોદી છે શું બધા ચોરોની અટક મોદી હોય છે?
તેઓએ આ બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન ટાંકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓએ આઈપીએલના પુર્વ ચેરમેન લલીત મોદી ઉપરાંત ભારતમાં બેન્કોને હજારો કરોડ ના ફ્રોડમાં વિદેશ નાસી છુટેલા નિરવ મોદી સહિતના મુદ્દે પણ આ વિધાન કર્યુ હતું. તેઓએ કહ્યું કે શું તમામ ચારોમાં મોદી અટક હોય છે જેની સામે ગુજરાત ભાજપના અગ્રણી તથા પુર્વમંત્રી અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફોજદારી, બદનક્ષીનો દાવો રજુ કર્યો હતો
અને રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાયનું અપમાન કર્યુ હોવાનું જણાવીને તેમની સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં આજે સવારે સુરતની ખાસ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા રાહુલ ગાંધીને ભારતીય ફોજદારી ધારાની કલમ 504 તથા 499 મુજબ દોષીત જાહેર કરીને બે વર્ષની સજા તથા રૂા.15 હજારનો દંડ ફટકાર્યો હતો.
માફી અને દયા નથી માંગતો: રાહુલ ગાંધીએ અદાલતને જવાબ આપ્યો
મોદી અટક અંગે આજે રાહુલ ગાંધીએ આજે તેમને જાહેર કરાયેલી બે વર્ષની સજા બાદ જયારે ન્યાયમૂર્તિએ રાહુલ ગાંધીને તમારે કંઈ કહેવાનું છે તેવો પ્રશ્ર્ન પૂછયો તો રાહુલ ગાંધીએ કહ્યું મે એક રાજકીય નેતા તરીકે મારુ કામ કર્યુ છે. હું મારી આ ટીપ્પણીથી કોઈને વ્યક્તિગત કોઈ હાનિ થઈ નથી અને હું અદાલતની માફી માંગતો નથી અને હું દયાની પણ યાચના કરતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર સામે સતત લડતો આવ્યો છું અને લડતો જ રહીશ.
રાહુુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પણ જોખમમાં
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક તરફ તેમના લંડનમાં કરાયેલા વિધાનો બદલ લોકસભામાં કાર્યવાહીનો સામનો કરશે તેવા સંકેત છે. બીજી તરફ લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ બે વર્ષ કે તેથી વધુની જેલસજામાં તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમનું લોકસભા સભ્યપદ પણ જઈ શકે છે. આ કાનુન મુજબ ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવે પણ પોતાનું લોકસભા સભ્યપદ ગુમાવ્યું હતું.
રાહુલને જેલસજાના ચૂકાદા સામે 30 દિવસનો સ્ટે: જામીન
સુરત તા.23 : આજે ટ્રાયલકોર્ટે રાહુલ ગાંધીને આપેલા ચૂકાદા બાદ તુર્ત જ તેમના ધારાશાસ્ત્રીઓએ સુરતની સેશન્સ કોર્ટમાં આ સજા અને ચૂકાદા સામે સ્ટે માંગ્યો હતો જેમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને અપીલ માટે 30 દિવસનો સમય આપ્યો હતો અને તેમને રૂા.10 હજારના જામીન પણ આપ્યા હતા. હવે આ મુદે નવો કાનુની જંગ શરુ થશે તેવા સંકેત છે.