નવી દિલ્હી તા.23 : આગામી લોકસભા ચૂંટણી પુર્વે ભાજપે રાજયોના સંગઠનમાં ફેરફાર શરુ કર્યા છે અને બિહાર તેમજ રાજસ્થાન સહિતના ચાર રાજયોના પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તે રાજસ્થાનમાં સી.પી.જોષીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે જયારે બિહારમાં સમ્રાટ ચૌધરીને પ્રદેશની જવાબદારી સોંપી છે.
ઓરિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ તરીકે મનમોહન સામલ ને નિયુક્ત કર્યા છે જયારે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વિરેન્દ્ર સચદેવાને નિયુક્તિ આપી છે. બિહારમાં જનતાદળ યુ અને રાજદના જોડાણથી સમગ્ર રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે અને લોકસભા ચૂંટણી પુર્વે હવે સંગઠનમાં ફેરફાર કરીને ભાજપ નિતીશકુમાર સામે નવો પડકાર ઉભો કરવા જઈ રહ્યું છે તો બીજી તરફ દિલ્હીમાં પક્ષ દ્વારા આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે જે રાજકીય ઝુંબેશ શરુ કરી છે તેમાં હવે વિરેન્દ્ર સચદેવાને પ્રદેશની જવાબદારી સોંપી છે.