દ્વારકાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

23 March 2023 02:40 PM
Jamnagar
  • દ્વારકાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

જીલ્લાના વિકાસના કામો માટે 3.4ર કરોડના કામોને મંજુરી

જામખંભાળીયા, તા. 23
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો તથા નગરપાલિકાના પ્રમુખો વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા..

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2023-24 ના (વિવેકાઘીન જોગવાઇ (સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), પાંચ ટકા પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વિગેરે યોજનાઓમાં વિકાસના 100 કામો માટે રૂ. 341.77 લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ 2018-19 થી વર્ષ 2022-23 ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાંસદની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

પ્રભારીમંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર એમ.એ. પંડયા દ્વારા વિકાસના હાથ ધરાયેલ કામોની રૂપરેખા આપી તેમજ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ ઉપરાંત બુધવારે વિશ્વ જળ દિવસ નિમિતે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણે ભવિષ્યની ચિંતા કરી બિનજરૂરી પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ. સાથે અન્યને પણ પાણીનો બિનજરૂરી વ્યય કરતા અટકાવવા જોઈએ. જળ સંચયના કામને સમયસર પૂર્ણ કરવા અંગે પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી આઈ.જી. પટેલ દ્વારા સંકલીત માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement