જામનગર તા.23:
જામનગરમાં સીંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે, સીંધી સમાજના નુતન વર્ષ ચેટીચાંદની સીંધી સમાજ દ્વારા ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બુધવારે સીંધી આ સમાજ જય ઝુલેલાલના નાદ સાથે દ્વારા નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધીની બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત આજે ગુરુવારે પણ સંખ્યાબંધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.
નાનકપુરીથી સીંધી સમાજની બાઈક રેલી મનિષભાઈ રોહેરાની અગ્રતામાં પવનચક્કી, દિગ્વિજય પ્લોટથી હવાઈચોક, બર્ધનચોક, ચાંદી બજાર, રણજીતરોડ, ત્રણબત્તી ઝુલેલાલજીના મંદિરથી પીએન માર્ગ થઈને ઝુલેલાલજી મંદિર ખાતે પુરી થઈ હતી. આજે ગુરુવારે સવારે પાંચ વાગ્યે તીનબત્તી વિસ્તારમાં આવેલા ઝુલેલાલજી મંદિર ખાતે પ્રભાત આરતી યોજવામાં આવી હતી. બાદ સવારે સાડાદસ વાગ્યે પુર્વ મંત્રી અને સીંધી સમાજના ચેરમેન પરમાણંદભાઈ ખટ્ટર, સીંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, ઝુલેલાલ મંદિર કમિટીના પ્રમુખ ભગવાનદાસ ભોલાણી સહિતની ઉપસ્થિતિમાં બટુકોની સમુહ જનોઈની વિધિ સાથે સીધી લાડા અને છેજનો કાર્યક્રમ શરૂ થયો હતો.
જે બાદ બપોરે સમુહ પ્રસાદ બાદ બપોરે 3 વાગ્યે ઝુલેલાલ સાહેબના ભહેરાણા (અખંડ જ્યોત)ની શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈને રાત્રે 10 વાગ્યે ઝુલેલાલજી મંદિરે પહોંચશે.શોભાયાત્રામાં વિશિષ્ટ ઝાંખી રજુ કરનાર સમાજના ગ્રુપને પ્રોત્સાહિત કરવા શિલ્ડનું વિતરણ કરાશે. સાથે સાથે મંદિર ખાતે રાત્રે 8 પછીથી ભંડારાના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ આયોજનોને સફળ બનાવવા ઝુલેલાલ મંડળના પ્રમુખ ભગવાનદાસ ભોલાણી, ઉપપ્રમુખ કિશનચંદ ધીંગાણી, સેક્રેટરી કપિલભાઈ ખીમનણી સહિતના હોદેદારો સેવાભાવી કાર્યકરો દ્વારા તૈયારી થઈ રહી છે.